CDSCO ના તાજેતરના રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. તેના દ્વારા પેરાસિટામોલ સહિત 53 દવા ગુણવત્તા પરીક્ષણ પાસ કરવામાં નિષ્ફળ રહી હોવાનું સામે આવ્યું છે. તેમાં કેલ્શિયમ, ડાયાબિટીસની દવાઓ અને હાઇબ્લડપ્રેશરની દવાઓ સહિત 50 અન્ય દવામાં પરીક્ષણમાં નિષ્ફળ રહી છે.
તમને જણાવી દઈએ કે, આ પરીક્ષણમાં તે મોટી કંપનીઓ દ્વારા બનાવાતી અનેક દવાઓ નિષ્ફળ રહી છે. તેમાં હેટેરો ડ્રગ્સ, એલ્કેમ લેબોરેટરીઝ, હિન્દુસ્તાન એન્ટિબાયોટિક્સ લિમિટેડ અને કર્ણાટક એન્ટિબાયોટિક્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ પણ સામેલ છે. આ પરીક્ષણમાં પેટના ચેપમાં ઉપયોગમાં લેવામાં આવતી એચએલની દવા મેટ્રોનીડાઝોલ, એલ્કેમ હેલ્થ સાયન્સની એન્ટિબાયોટિક્સ ક્લેવમ 625 અને પાન ડી પણ ગુણવત્તાના ધોરણો મુજબ રહેલ નથી. તેના સિવાય બાળકોને આપવામાં આવતી સેપોડેમ એક્સપી 50 ડ્રાઇ સસ્પેન્શન ની ગુણવત્તા મુજબ નબળી હોવાની જાણકારી સામે આવી છે.
તેની સાથે રિપોર્ટમાં કર્ણાટકના એન્ટિબાયોટિક્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ ની પેરાસિટામોલ દવાની ગુણવત્તા સામે પણ ચિંતા વ્યક્ત કરાઈ છે. પ્યોર એન્ડ ક્યોર હેલ્થ કેર દ્વારા બનાવતા આવતી શેલ્કેલ પણ આ પરીક્ષણમાં નિષ્ફળ રહી હતી. તેના સિવાય હાઈ બ્લડ પ્રેશર ના નિદાન માટે વાપરવામાં આવનાર ટેલ્મિસર્ટન, વિટામિન B કોમ્પલેક્ષ અને વિટામિન C સોફ્ટ જેલ, પેરાસિટામોલ ની દવા IP 500 MG, ડાયાબિટીસની દવા ગ્લિમેપિરાઇડ પણ આ ધોરણોમાં અનુરૂપ રહી નહોતી.
જ્યારે CDSCO દ્વારા ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ રહેલી દવાઓની બે યાદી બહાર પાડવામાં આવી છે. એક યાદીમાં ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ ગયેલી દવાઓના નામ રહેલા છે જ્યારે બીજી યાદીમાં તેનું ઉત્પાદન કરતી કંપનીઓ ના જવાબો રહેલા છે. મોટાભાગની કંપનીઓ દ્વારા તેમના પ્રતિભાવમાં જણાવવામાં આવ્યું છે કે, જે દવાઓ પરીક્ષણમાં નિષ્ફળ ગઈ છે તે નકલી રહેલી છે અને અસલ કંપનીઓ દ્વારા બનાવાતી નથી. તેમ છતાં કંપનીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે, તેઓ તેમની બનાવેલી દવાઓની ફરીથી તપાસ હાથ ધરશે.