ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, 65 ના મોત, કેસ 55 ને પાર પહોંચ્યા

Amit Darji

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર સતત વધતો જોવા મળી રહ્યો છે. કેમકે આ ચાંદીપુરા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કુલ 61 બાળકોના ચાંદીપુરા વાયરસ ના લીધે જીવ ગયો છે. જ્યારે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 56 રહેલી છે. ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર ના વસ્તડી ગામના 11 વર્ષના બાળકનું ચાંદીપુરા વાયરસ ના લીધે મૃત્યુ નીપજ્યું હતું. આ બાળક રાજકોટની હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલું હતું. તેના બે દિવસ અગાઉ ચાંદીપુરા વાયરસ ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ, ગુજરાતમાં હાલ ચાંદીપુરા વાયરસ ના 56 પોઝિટિવ કેસ રહેલા છે. જેમાં પંચમહાલમાં 7, સાબરકાંઠામાં 6, ખેડામાં 5, મહેસાણામાં 5, અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, અરવલ્લી, દાહોદ, કચ્છમાં 3, ગાંધીનગર, મહીસાગર, સુરત 2, જામનગર, મોરબી, વડોદરા, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, ભરૂચ, પોરબંદર અને પાટણમાં 1 કેસ સામે આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં હાલ વાયરલ એન્કેફેલાઈટીસ ના કુલ 148 કેસ રહેલા છે. વાયરલ એન્કેફેલાઈટીસ ના કુલ 27 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા છે અને 60 દર્દીઓને રજા આપવામાં આવી છે. કુલ 21 જિલ્લામાં ચાંદીપુરા ના પોઝિટિવ કેસ સામે આવી ચૂક્યા છે. જ્યારે બીજી તરફ વડોદરા ની સયાજી હોસ્પિટલમાં હાલ ચાર બાળકો વોર્ડમાં અને ચાર બાળકો આઇસીયુમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ ની સારવાર મેળવી રહ્યા છે જયારે ગોત્રી હોસ્પિટલમાં એક બાળક શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ ની સારવાર હેઠળ રહેલ છે.

તેની સાથે જણાવી દઈએ કે, મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાં આ વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો હતો. તે દરમિયાન ટેકનોલોજી અને હોસ્પિટલોના અભાવને લીધે અનેક બાળકોના મૃત્યુ નીપજ્યા હતા. તે સમયે આ વાયરસ ક્યાંથી આવ્યો તે કોઈને ખબર પડી નહોતી. તેમ છતાં ચાંદીપુરા ગામમાં પ્રથમ કેસ સામે આવતા આ વાયરસને ચાંદીપુરા વાયરસ નામથી ઓળખવામાં આવે છે. વર્ષ 2010 થી આ ચાંદીપુરા વાયરસના કેસમાં વધારો જોવા મળ્યો હતો.

Share This Article
Leave a comment