પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISI ના પૂર્વ ચીફ Faiz Hameed ની મુશ્કેલીમાં વધારો થયો છે. ફૈઝ હમીદ વિરુદ્ધ પાકિસ્તાન આર્મી એક્ટ ની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ISPR દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ, ફૈઝ હમીદ ને સૈન્ય કસ્ટડીમાં લેવામાં આવેલ છે. ફૈઝ હમીદ નું નામ ટોપ સિટી હાઉસિંગ સ્કીમ કેસમાં સામે આવતા આ કાર્યવાહી કરવામાં આવી છે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના આદેશો નું પાલન કરતા ભૂતપૂર્વ લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદ વિરુદ્ધ ટોપ સિટી હાઉસિંગ સ્કીમ કેસમાં કરવામાં આવેલ ફરિયાદોને શોધવા માટે પાકિસ્તાનની સેનાની એક ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં ફૈઝ અહમદ વિરુદ્ધ અનેક બાબતો સામે આવી હતી.
ઇન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન્સ (ISPR) દ્વારા જાહેર કરવામાં આવેલ પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું હતું કે, પાકિસ્તાનના પૂર્વ ગુપ્તચર ચીફ Faiz Hameed ની અટકાયત કરવામાં આવેલ છે. ISPR દ્વારા જણાવવામાં આવ્યું છે કે, “તેના સિવાય ફૈઝ અહેમદના નિવૃત્તિ પછી પાકિસ્તાન આર્મી એક્ટના ઉલ્લંઘનના અનેક મામલા સામે આવ્યા છે. નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદ સામે શિસ્ત ભંગની કાર્યવાહી શરૂ કરાઈ છે. આ પ્રથમ વખત થયું છે જ્યારે પાકિસ્તાનના કોઈ ભૂતપૂર્વ ગુપ્તચર પ્રમુખ સામે કોર્ટ માર્શલ ની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ગયા વર્ષે 14 નવેમ્બર 2023 ના રોજ જાહેર પોતાના લેખિત આદેશમાં પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદ સામે અત્યંત ગંભીર આરોપ લાગ્યો છે. જો આરોપ સાચા સાબિત થશે તો દેશના સશસ્ત્ર દળો, ISI અને પાકિસ્તાન રેન્જર્સની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચશે. તે કારણોસર તેની અવગણના કરી શકાય નહીં. ટોપ સિટી હાઉસિંગના મેનેજમેન્ટ દ્વારા ભૂતપૂર્વ ISI ચીફ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. તેની સાથે દાવો કરવામાં આવ્યો હતો કે, તેમણે તેના માલિક મોઇઝ ખાનની ઓફિસો અને ઘરો પર દરોડા પાડ્યા હતા. ત્યાર બાદ નવેમ્બર 2023 માં સુપ્રીમ કોર્ટ દ્વારા હાઉસિંગ સોસાયટી ના માલિકને ફૈઝ હમીદ અને તેના સહયોગીઓ સામેની તેમની ફરિયાદો ના સમાધાન માટે સંરક્ષણ મંત્રાલય સહિત સંબંધિત વિભાગોનો સંપર્ક કરવાનું કહ્યું હતું.