કોલકાતા હાઈકોર્ટ દ્વારા કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં મહિલા તબીબ પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં સીબીઆઈ (CBI ) ને તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. સીબીઆઈ દ્વારા હવે આ મામલામાં તપાસ હાથ ધરવામાં આવી છે. સીબીઆઈ દ્વારા આ મામલામાં દિલ્હી હેડક્વાર્ટરમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. આવતીકાલના ડોક્ટરો અને ફોરેન્સિક નિષ્ણાતો સાથે સીબીઆઈ અધિકારીઓની એક ટીમ કોલકાતા પહોંચશે અને ઘટના સ્થળની તપાસ શરૂ કરશે. તમને જણાવી દઈએ કે, આ અગાઉ આ મામલાની તપાસ માટે પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા SIT ની રચના કરાઈ હતી. આ જ કેસની સુનાવણી દરમિયાન કલકત્તા હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને તપાસ અને સંબંધિત દસ્તાવેજો સીબીઆઈને સોંપવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગુરુવાર અને શુક્રવારની વચ્ચેની રાત્રીના કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં મહિલા તબીબ પર દુષ્કર્મની ઘટના સામે આવી હતી. એટલું જ નહીં આરોપી દ્વારા દુષ્કર્મ બાદ પીડિતાની હત્યા કરી નાખવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, પીડિતા પીજીના બીજા વર્ષની વિદ્યાર્થિની હતી અને છાતી સંબંધિત બીમારીઓમાં વિશેષતા માટે અભ્યાસ કરી રહી હતી. તે દરમિયાન આ ઘટના બની ત્યારે તે હોસ્પિટલમાં જ નાઈટ ડ્યુટી પર તૈનાત રહેલી હતી. રાત્રીના બે વાગ્યે જુનિયર ડોક્ટરો સાથે ડિનર કર્યા બાદ તે સેમિનાર હોલમાં ગઈ હતી. અહીં સવારના 6 વાગ્યા મહિલા ડોક્ટરની અર્ધ નગ્ન લાશ મળી આવી હતી.
મહિલા તબીબની અર્ધ-નગ્ન મૃતદેહ મળી આવતા જ હાહાકાર સર્જાયો હતો. ત્યાર બાદ આ મામલો પોલીસ સુધી પહોંચતા હોસ્પિટલના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી. આ ઘટના બાદ સીસીટીવીમાં એક વ્યક્તિ સવારના ચાર વાગ્યે સેમિનાર હોલમાં જતો જોવા મળ્યો હતો. પોલીસને મહિલાના મૃતદેહ પાસેથી બ્લૂટૂથ ઈયરફોન પણ મળી આવ્યા હતા. પોલીસ દ્વારા બ્લુટુથ ઈયરફોન દ્વારા ગુનેગારને શોધી કાઢવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આરોપીનો ફોન તેના બ્લૂટૂથ સાથે કનેક્ટ કરીને પણ ચેક કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આરોપી દ્વારા ગુનો કબૂલી લેવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, પોલીસને આરોપીના ફોનમાંથી અશ્લીલ વીડિયો પણ મળી આવ્યા છે. જ્યારથી આ ઘટના સર્જાઈ છે ત્યારથી દેશભરમાં તબીબો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેની સાથે દર્દીઓને પણ તેના લીધે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.