America થી કાર અકસ્માતની એક દુઃખદ ઘટના સામે આવી છે. આ કાર અકસ્માતમાં ભારતીય મૂળના પરિવારના ત્રણ સભ્યોના મૃત્યુ નીપજ્યા છે. આ અકસ્માત ટેક્સાસના લેમ્પાસાસ કાઉન્ટીમાં સર્જાયો હોવાનું સામે આવ્યું છે. જાણકારી મુજબ, આ માર્ગ અકસ્માતમાં 45 વર્ષીય અરવિંદ મણિ, તેમની પત્ની 40 વર્ષીય પ્રદીપા અરવિંદ અને 17 વર્ષીય પુત્રી એન્ડ્રીલ અરવિંદનું મૃત્યુ નીપજ્યું હતું. અરવિંદ મણિ અને તેમનો પરિવાર લિએન્ડરમાં રહેતો હતો. હવે પરિવારમાં માત્ર એક જ સભ્ય બાકી રહી ગયું છે. જ્યારે જાણકારી સામે આવી છે કે, આ અકસ્માત દરમિયાન અરવિંદ મણિનો 14 વર્ષનો પુત્ર આદ્રિયન કારમાં હાજર રહેલો નહોતો.
ટેક્સાસના સુરક્ષા અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, એક કેડલેક કાર યુએસ રૂટ સંખ્યા 281 પર જઈ રહી હતી. આ કારને 31 વર્ષીય જેકિન્ટો કોવ દ્વારા ચલાવવામાં આવી રહી હતી. તેના સિવાય અરવિંદ મણિ કિયા કારમાં મુસાફરી કરી રહ્યા હતા. કારની વધુ ઝડપ હોવાના લીધે કારનું પાછળનું ટાયર ફાટી ગયું હોવાનું સામે આવ્યું છે. તેના લીધે કારે કાબુ ગુમાવી દીધો હતો અને અન્ય બે કાર સાથે અથડાઈ ગઈ હતી. પબ્લિક સેફ્ટી ઓફિસર ટ્રુપર બ્રાયન વાશ્કો દ્વારા કહેવામાં આવ્યું છે કે, ‘મારી 26 વર્ષની કારકિર્દીમાં આ પ્રથમ વખત છે જ્યારે મેં આટલો ભયંકર અકસ્માત જોયો હોય. વાશ્કો દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું કે, કિયા કારમાં બેઠેલા અરવિંદ મણિ અને તેમની પત્ની પોતાની પુત્રીને નોર્થ ટેક્સાસમાં આવેલ કોલેજ તરફ લઇ જઈ રહ્યા હતા. તેઓ તેમના પુત્રને ઘરે મૂકી ગયા હતા કારણ કે તેની શાળા શરૂ થઈ ગઈ હતી. એન્ડ્રીલે રાઉઝ હાઈસ્કૂલમાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી અને તે હવે યુનિવર્સિટી ઓફ ડલ્લાસથી કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરવા માટે જઈ રહી હતી.
બીજી તરફ રાઉજ સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા આ અકસ્માત અંગે શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. તેમણે એક પત્રમાં જણાવ્યું છે કે, ‘આ બતાવતા દુઃખ થઈ રહ્યું છે કે, અમારા વિદ્યાર્થી એન્ડ્રિલ અરવિંદનું અવસાન થઈ ગયું છે. એન્ડ્રિલ અને તેના માતા-પિતાનું આજે સવારે એક માર્ગ અકસ્માતમાં અવસાન નીપજ્યું હતું. અમે આ સમાચારથી અત્યંત દુખી છીએ. અમારી સંવેદનાઓ એન્ડ્રિલ પરિવાર સાથે છે.’ વધુમાં જણાવ્યું છે કે, પરિવારના એકમાત્ર હયાત સભ્ય આદ્રિયનની મદદ કરવા માટે 758,000 ડોલરથી વધુ રકમ એકત્ર કરવામાં આવી છે.