ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર બેટ્સમેન Dinesh Karthik દ્વારા રોહિત શર્મા બાદ બે ભારતીય ખેલાડીઓના નામ જણાવ્યા છે જેમને ટીમની કપ્તાની સોંપવામાં આવી શકે છે. આ અનુભવીએ યુવા બેટ્સમેન શુભમન ગિલ અને વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતનું નામ લીધું છે. તેમણે દાવો કર્યો છે કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) હિટમેન બાદ આ બંનેને ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ સોંપશે.
વાસ્તવમાં શુભમન ગિલ અને ઋષભ પંત IPL માં અનુક્રમે ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રહેલા છે. આ સિવાય યુવા ખેલાડીઓએ અનેક તક પર ભારતનું નેતૃત્વ કર્યું છે. આ બંને પાસે કેપ્ટનશિપનો સારો અનુભવ રહેલો છે. આવી સ્થિતિમાં બંને રોહિત બાદ કેપ્ટનશિપ માટે સૌથી મોટા દાવેદાર રહેલા છે.
દિનેશ કાર્તિકે જણાવ્યું છે કે, ભારતના બધા પ્રારૂપોના આગામી ભાવી કેપ્ટનના રૂપમાં બે ખેલાડી સીધા મારા મગજમાં આવે છે જે યુવા છે, જેમાં ક્ષમતા છે અને નિશ્વિત રૂપથી નજીકના ભવિષ્યમાં બધા પ્રારૂપોમાં ભારતનું નેતૃત્વ કરી શકે છે, એક ઋષભ પંત અને બીજા શુભમન ગીલ છે. બંને આઈપીએલ ટીમોના કેપ્ટન છે અને ભારતની કેપ્ટનશીપ પણ કરી ચુક્યા છે. મને લાગે છે કે, સમયની સાથે તેમની પાસે ભારત માટે તમામ ફોર્મેટના કેપ્ટન બનવાની તક રહેલી છે.
ભારતને T-20 વર્લ્ડ કપ ટાઇટલ અપાવ્યા બાદ રોહિત શર્માએ T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, તે વનડે અને ટેસ્ટમાં રમવાનું ચાલુ રાખશે. રોહિત બાદ સૂર્યકુમાર યાદવને તાજેતરના શ્રીલંકા પ્રવાસ દરમિયાન T-20 આંતરરાષ્ટ્રીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જ્યારે શુભમન ગિલે ઝિમ્બાબ્વે પ્રવાસ પર ટીમનું નેતૃત્વ કર્યું હતું. T-20 માટે ચિત્ર લગભગ સ્પષ્ટ છે, પરંતુ બોર્ડે ટેસ્ટ અને ODI માટે ખેલાડીઓ તૈયાર કરવાના રહેલા છે.