બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન Khaleda Zia ને ગુરુવારના એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. 79 વર્ષીય બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ના અધ્યક્ષ ગુલશન સ્થિત તેમના નિવાસસ્થાનથી રાત્રીના 1:40 વાગ્યાના એવરકેર હોસ્પિટલ પહોંચ્યા હતા. BNP મીડિયા સેલના સભ્ય સાયરુલ કબીર ખાને આ માહિતી આપી હતી. તેમના ફિઝિશિયન પ્રોફેસર એઝેડએમ ઝાહિદ હુસૈને જણાવ્યું છે કે, મેડિકલ બોર્ડે તેમને કેટલાક ટેસ્ટ કરાવવા માટે જણાવ્યું છે. હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તેમને ખાનગી કેબિનમાં રાખવામાં આવેલ છે.
ફિઝિશિયન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ટેસ્ટના પરિણામોની સમીક્ષા કર્યા પછી તેમની સારવાર માટેની તારીખ નક્કી કરવામાં આવશે. 21 ઓગસ્ટના રોજ ખાલિદા ઝિયા 45 દિવસની સારવાર બાદ ઘરે પરત આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, બાંગ્લાદેશના પૂર્વ પીએમ છેલ્લા પાંચ વર્ષથી નજરકેદમાં રહેલા હતા. રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીનના આદેશ બાદ આ વર્ષે 6 ઓગસ્ટના તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. 5 ઓગસ્ટના શેખ હસીનાની આગેવાની હેઠળની અવામી લીગના પતન પછી ઝિયાને તેમના પરના તમામ આરોપોમાંથી મુક્ત કરાયા હતા.
બીએનપીના પ્રમુખ ઘણા સમયથી વિવિધ બીમારીનો સામનો કરી રહ્યા છે, જેમાં લીવર સિરોસિસ, સંધિવા, ડાયાબિટીસ સહિત વિવિધ બિમારીઓ સામેલ છે. 23 જૂનના તેમની છાતીમાં પેસમેકર લગાવવામાં આવ્યું હતું. 2021 માં લિવર સિરોસિસનું નિદાન થયા બાદ તેમના ડોક્ટરો તેમને વિદેશ મોકલવાની ભલામણ કરી રહ્યા છે. આ મહિને ખાલિદા ઝિયાને પાંચ અલગ-અલગ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. તેમણે 1991-1996 અને 2001-2006 સુધી વડાપ્રધાન પદ સંભાળ્યું હતું.