મુંબઈ ટ્રાફિક પોલીસને સલમાન ખાન વિરુદ્ધ લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકી આપવામાં આવી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા મુંબઈ ટ્રાફિક પોલીસ ના વોટ્સએપ નંબર પર મેસેજ મોકલવામાં આવ્યો છે. જેમાં સલમાન ખાન પાસેથી પાંચ કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી છે. મેસેજ મોકલનાર દ્વારા લોરેન્સ બિશ્નોઈ ગેંગને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, જો Salman Khan જીવતો રહેવા ઈચ્છે છે અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથેની દુશ્મની સમાપ્ત કરવા ઈચ્છે છે તો તેણે પાંચ કરોડ રૂપિયા ચૂકવવા પડશે. તેને હળવાશથી લેવાની ભૂલ ન કરો. મેસેજમાં જણાવવામાં આવ્યું છે કે, જો તે પૈસા નહીં આપે તો તેની હાલત બાબા સિદ્દીકી કરતા પણ વધુ ખરાબ થઈ જશે. મુંબઈ પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ મામલામાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
સલમાન ખાન એપ્રિલ મહિનાથી લોરેન્સ બિશ્નોઈ ગેંગના રડાર પર રહેલ છે. અભિનેતા દ્વારા આ મામલામાં ચાર જૂનના મુંબઈ પોલીસ સમક્ષ નિવેદન પણ આપવામાં આવ્યું છે. આ નિવેદન મુજબ, લોરેન્સ બિશ્નોઈ દ્વારા તેની ગેંગના સભ્યો ની મદદથી તેના ઘરની બહાર ફાયરિંગની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. અભિનેતાના કહેવા મુજબ, તે લોકો તેને અને તેના પરિવારના સભ્યોની હત્યા કરવાની યોજના બનાવી રહ્યા હતા. આ કેસમાં પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસ દ્વારા ચાર્જશીટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, લોરેન્સે સલમાનને મારવા માટે છ લોકોને 20 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ ટોળકી દ્વારા અભિનેતા સલમાન ખાનની હત્યા કરવા માટે 25 લાખ રૂપિયાની સોપારી લેવામાં આવી હતી.
મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને અજિત પવાર ની NCP ના દિગ્ગજ નેતા બાબા સિદ્દિકીની 12 ઓક્ટોબર ની રાત્રીના ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટનામાં ત્રણ શૂટરો દ્વારા તેમની હત્યા કરી નાખવામાં આવી હતી. આ હત્યા ની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા લેવામાં આવી હતી. મુંબઈ પોલીસ દ્વારા આ મામલામાં તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં અત્યાર સુધીમાં છ આરોપીઓની ધરપકડ કરાઈ છે.