ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ રમાઈ રહી છે. ન્યૂઝીલેન્ડ પ્રથમ ટેસ્ટ મેચ જીતીને ટેસ્ટ સીરીઝમાં 1-0 થી આગળ રહેલી છે. જ્યારે સીરીઝની બીજી ટેસ્ટ મેચ 24 ઓક્ટોબર ના રોજ પુણેમાં રમાશે. આ મેચ પહેલા ન્યુઝીલેન્ડ દ્વારા પોતાની ટી-૨૦ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. વાસ્તવમાં, ન્યુઝીલેન્ડ ભારત સામે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી રમ્યા બાદ શ્રીલંકાના પ્રવાસે જવાનું છે. આ પ્રવાસ પર ન્યુઝીલેન્ડની ટીમ 2 T20 અને ત્રણ મેચની ODI સીરીઝ રમશે જેના માટે ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ન્યૂઝીલેન્ડ દ્વારા આ પ્રવાસ માટે 15 સભ્યોની ટીમ પસંદ કરવામાં આવી છે જેના કેપ્ટન મિશેલ સેન્ટનરને બનાવવામાં આવેલ છે. સેન્ટનરને હાલમાં આ પ્રવાસ માટે વચગાળાના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે. ન્યુઝીલેન્ડના નિયમિત ODI અને T20 કેપ્ટન અંગે નિર્ણય ત્યાર બાદ લેવાશે.
T20 સીરીઝની શરૂઆત 9 નવેમ્બર થી દામ્બુલામાં થશે. બીજી મેચ પણ 10 નવેમ્બરના રોજ દાંબુલામાં રમાશે. વનડે સીરીઝની પ્રથમ મેચ 13 નવેમ્બરે દામ્બુલામાં જ રમાશે. ત્યાર બાદની બે મેચ પલ્લેકેલેમાં 17 અને 19 નવેમ્બરના રોજ રમાશે. બોલિંગ ઓલરાઉન્ડર નાથન સ્મિથ અને વિકેટકીપર બેટ્સમેન મિચ હેને આ પ્રવાસ માટે પ્રથમ વખત ન્યૂઝીલેન્ડની લીમીટેડ ઓવરોની ટીમમાં સામેલ કરવામાં આવેલ છે. 26 વર્ષીય સ્મિથને ગયા મહિને જ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ દ્વારા પ્રથમ વખત સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ કરાયો હતો. સ્મિથ દ્વારા ગયા ઉનાળામાં વેલિંગ્ટન ફાયરબર્ડ્સ માટે વ્હાઇટ-બોલ ક્રિકેટમાં 24 વિકેટ પ્રાપ્ત કરવામાં આવી થઈ. જ્યારે, છેલ્લા વર્ષે ન્યૂઝીલેન્ડ A માટે ડેબ્યુ કરનાર મિચ હે દ્વારા ત્રણેય ફોર્મેટમાં સતત સારું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
શ્રીલંકા સામેની T 20 અને ODI સીરીઝ માટે ન્યુઝીલેન્ડની ટીમ
મિશેલ સેન્ટનર (કેપ્ટન), માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, જોશ ક્લાર્કસન, જેકબ ડફી, લોકી ફર્ગ્યુસન, જેક ફોલ્કેસ, ડીન ફોક્સક્રોફ્ટ, મિચ હે, હેનરી નિકોલસ, ગ્લેન. ફિલિપ્સ, વિલ યંગ, ટીમ રોબિન્સન, નાથન સ્મિથ, ઈશ સોઢી