Pakistan અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરીઝની છેલ્લી મેચ રાવલપિંડીમાં રમાઈ રહી છે. ઇંગ્લેન્ડ દ્વારા પ્રથમ મેચ શાનદાર રીતે જીત પ્રાપ્ત કરવામાં આવી હતી. ત્યાર બાદ પાકિસ્તાને શાનદાર વાપસી કરીને બીજી મેચ જીતીને સીરીઝમાં બરાબરી કરી લીધી હતી. હવે ત્રીજી મેચમાં બંને ટીમો વચ્ચે ભારે ટક્કર જોવા મળી રહી છે. ત્રીજી ટેસ્ટનો પ્રથમ દિવસ પાકિસ્તાની સ્પિનરો ના નામે રહ્યો હતો જેમણે ઈંગ્લેન્ડ ની ટીમને 267 રનમાં આઉટ કરી દીધી હતી. ઈંગ્લેન્ડ ના સ્કોર નો પીછો કરવા આવેલી પાકિસ્તાનની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. પ્રથમ દિવસની રમતના અંતે ટીમ દ્વારા 3 વિકેટ ગુમાવીને સ્કોરબોર્ડ પર 73 રન બનાવવામાં આવ્યા હતા. શાન મસૂદ અને સઈદ શકીલ 16-16 રન બનાવીને અણનમ રહ્યા હતા.
બીજા દિવસે પણ નિયમિત અંતરાલ પર વિકેટ પડવાનો સિલસિલો સતત ચાલુ રહ્યો હતો. પરંતુ મિડલ ઓર્ડર બેટ્સમેન સઈદ શકીલ દ્વારા એક ટીમની જવાબદારી સંભાળી રાખવામાં આવી હતી. સઈદ શકીલ દ્વારા શાનદાર બેટિંગ કરવામાં આવી અને લંચ બાદ પોતાની સદી પૂર્ણ કરવામાં આવી હતી. તેણે 79 મી ઓવરમાં 180 બોલમાં પોતાની ટેસ્ટ કારકિર્દીની ચોથી સદી ફટકારી હતી. તેણે ટેસ્ટમાં સાત ઇનિંગ બાદ સદી ફટકારી હતી. ઓગસ્ટ 2024 માં તેણે રાવલપિંડીમાં જ બાંગ્લાદેશ સામે તેની ત્રીજી ટેસ્ટ સદી ફટકારી હતી.
ઈંગ્લેન્ડ સામે સદી ફટકારતા શકીલ છેલ્લા બે વર્ષમાં સૌથી વધુ પચાસ કે તેથી વધુ ટેસ્ટ સ્કોર બનાવનાર ત્રીજો બેટ્સમેન બની ગયો છે. તેમણે દેશબંધુ આગા સલમાનને પાછળ છોડી દીધા છે. છેલ્લા 2 વર્ષમાં શકીલ દ્વારા 12 થી વધુ અડધી સદી ફટકારવામાં આવી છે. છેલ્લા બે વર્ષમાં માત્ર જો રૂટ અને હેરી બ્રુક જ શકીલ કરતા 50 થી વધુ સ્કોર કરી શક્યા છે. જો રૂટ દ્વારા આ મોટી સિદ્ધિ 16 વખત જ્યારે બ્રુક દ્વારા 15 વખત કરવામાં આવી છે. હવે પાકિસ્તાની બેટ્સમેન પાસે ઈંગ્લેન્ડના બંને બેટ્સમેનોની નજીક જવાની મોટી શક્યતા રહેલી છે. શકીલની કારકિર્દી પર નજર કરીએ તો તેણે 15 ટેસ્ટ મેચની 28 ઇનિંગ્સમાં 57.37 ની એવરેજથી 1377 રન બનાવ્યા છે. જેમાં ચાર સદી અને સાત અડધી સદી સામેલ છે.
પાકિસ્તાને ઈંગ્લેન્ડ ના સ્કોર ની કરી બરાબરી
સઈદ શકીલની સદીની મદદથી પાકિસ્તાનની ટીમ સ્કોર 250 સુધી પહોંચવામાં સફળ રહી હતી. ટી બ્રેક સુધી પાકિસ્તાન દ્વારા આઠ વિકેટ ગુમાવીને 267 રન બનાવી લેવામાં આવ્યા હતા. શકીલ 107 રન બનાવીને અણનમ પરત રહ્યો હતો અને સાજીદ ખાન 1 રન બનાવીને અણનમ પરત રહ્યો હતો.