Bangladesh થી મોટા સમાચાર સામે આવ્યા છે. બાંગ્લાદેશની કોર્ટની બહાર ઉગ્ર વિરોધ વચ્ચે હિંદુ પૂજારી ચિન્મય કૃષ્ણ દાસનો બચાવ કરતા સમયે વકીલની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ કરવામાં આવતા તેના વિરોધમાં બાંગ્લાદેશમાં ચિત્તાગોંગ કોર્ટની બહાર એક મોટી સંખ્યામાં ભીડ ઉમટી આવી હતી. જેમાં મોટાભાગના હિંદુઓ હાજર રહેલા હતા. પોલીસ દ્વારા તેમના પર કાર્યવાહી કરી અને તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે, બાંગ્લાદેશ સમાજહિતો સનાતન જાગરણ જોટ ના નેતા ચિન્મય કૃષ્ણ દાસના સમર્થકો દ્વારા તેને જેલમાં લઈ જતી જેલ વાનને અટકાવવામાં આવતા સમયે સૈફુલ ઈસ્લામ અલીફની કથિત રીતે હત્યા કરી નાખવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ દ્વારા તેમને વિખેરવા માટે સાઉન્ડ ગ્રેનેડ છોડવામાં આવ્યા હતા. તેના લીધે સાતથી આઠ લોકો ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તો ને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે.
તેની સાથે સોશિયલ મીડિયા પરના કેટલાક વીડિયોમાં પોલીસ અને ધરપકડ કરવામાં આવેલ ઈસ્કોન સાધુ ચિન્મય કૃષ્ણ દાસના સમર્થકો વચ્ચે હિંસક અથડામણ જોવા મળી હતી. હિંસા ત્યારે સર્જાઈ જ્યારે કોર્ટ દ્વારા ચિન્મય કૃષ્ણ દાસને જામીન આપવાનો ઈન્કાર કરવામાં આવ્યો. દેખાવકારોને ઘટનાસ્થળેથી દૂર કરવા માટે પોલીસ કર્મચારીઓ નિર્દયતાથી માર મારતા પણ જોવા મળ્યા હતા.
આ સિવાય જણાવી દઈએ કે, બાંગ્લાદેશી મીડિયા મુજબ, વિરોધીઓ દ્વારા હિંદુ નેતાને લઈ જતા દરમિયાન જેલ વાનને રોકવામાં આવી હતી અને લગભગ ત્રણ કલાક બાદ પોલીસ દ્વારા ટીયરગેસના શેલ છોડવામાં આવ્યા, સાઉન્ડ ગ્રેનેડ છોડવામાં આવ્યા અને પ્રદર્શનકારીઓને વેરવિખેર કરવા માટે લાઠીચાર્જ પણ કર્યો હતો.