ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે ક્રાઈસ્ટચર્ચના હેગલી ઓવલમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચ 28 મી નવેમ્બરથી શરૂઆત થઈ હતી જેમાં પ્રથમ દિવસે ન્યુઝીલેન્ડ દ્વારા બેટિંગ કરવામાં આવી હતી અને દિવસની રમતના અંત સુધી આઠ વિકેટ ગુમાવીને 319 રન બનાવવામાં આવ્યા હતા. બીજા દિવસે ન્યૂઝીલેન્ડનો પ્રથમ દાવ 348 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તેના જવાબમાં ઈંગ્લેન્ડની બેટિંગ શાનદાર રહી હતી. હેરી બ્રુકની 171 રનની શાનદાર ઈનિંગના આધારે ઇંગ્લેન્ડ ટીમ દ્વારા વળતો પ્રહાર કરવામાં આવ્યો અને 499 રન બનાવવામાં આવ્યા હતા. હેરી બ્રુક સિવાય ઓલી પોપ દ્વારા 77 રન અને બેન સ્ટોક્સ 80 રનનું યોગદાન આપવામાં આવ્યું હતું.
તમને જણાવી દઈએ કે, ત્રીજા દિવસે ન્યૂઝીલેન્ડની બીજી ઇનિંગની શરૂઆત ખરાબ રહી હતી. ટીમ દ્વારા માત્ર 23 રનમાં બંને ઓપનરની વિકેટ ગુમાવી દેવામાં આવી હતી. ત્યાર બાદ Kane Williamson અને રચિન રવિન્દ્ર દ્વારા ટીમની જવાબદારી સંભાળતા ટી ટાઈમ સુધીમાં ટીમનો સ્કોર 62/2 રન સુધી પહોંચાડી દીધો હતો. આ દરમિયાન ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન કેન વિલિયમસન દ્વારા નવો ઈતિહાસ રચવામાં આવ્યો હતો.
પ્રથમ ઇનિંગમાં 93 રનની શાનદાર ઇનિંગ રમનાર કેન વિલિયમસન દ્વારા ન્યૂઝીલેન્ડની બીજી ઇનિંગ દરમિયાન પોતાનો 26 મો રન પૂર્ણ કરતાની સાથે જ ટેસ્ટમાં 9000 રન પૂરા કરી લેવામાં આવ્યા હતા. તેની સાથે કેન વિલિયમસન 9000 ટેસ્ટ રન બનાવનાર ન્યૂઝીલેન્ડનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. આ પહેલા કોઈ ન્યુઝીલેન્ડ બેટ્સમેન આ આંકડાને પાર શક્યો નહોતો. કેન વિલિયમસન ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં નવ હજાર કે તેથી વધુ રન બનાવનાર વિશ્વનો 19 મો બેટ્સમેન બની ગયો છે.
કેન વિલિયમસન દ્વારા તેની 103 મી ટેસ્ટ મેચમાં આ ઐતિહાસિક સિદ્ધી પ્રાપ્ત કરી હતી. તેમણે 182 મી ઇનિંગમાં 9000 રન પૂર્ણ કર્યા હતા. આ રીતે તે ટેસ્ટમાં સૌથી ઝડપી 9000 રન પૂરા કરનાર 5 મો બેટ્સમેન બની ગયો છે. કેન વિલિયમસન પહેલા સ્ટીવ સ્મિથ, બ્રાયન લારા, કુમાર સંગાકારા અને યુનિસ ખાન દ્વારા સૌથી ઝડપી 9000 રન પૂરા કરવાની મોટી સિદ્ધિ પ્રાપ્ત કરવામાં આવી હતી.
સૌથી ઝડપી વધુ 9000 ટેસ્ટ રન
99 – સ્ટીવન સ્મિથ
101 – બ્રાયન લારા
103 – કુમાર સંગાકારા
103 – યુનિસ ખાન
103 – કેન વિલિયમસન