ભારત અને Bangladesh વચ્ચે બીજી ટેસ્ટ મેચ 27 સપ્ટેમ્બર ના કાનપુરમાં રમાશે. આ પહેલા મહેમાનોને મોટો ઝટકો લાગી શકે છે. વાસ્તવમાં, કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, શાકિબ અલ હસન કોઈ શારીરિક સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આ જ કારણ છે કે, ભારત સામેની પ્રથમ મેચમાં તે કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો. હવે ટીમ સિલેક્ટર હન્નાન સરકાર દ્વારા તેમની ફિટનેસને લઈને મોટું અપડેટ આપવામાં આવ્યું છે અને જણાવ્યું છે કે, આગામી મેચ માટે અનુભવી ખેલાડીની પસંદગી કરશે કે નહીં.
ભારતે તાજેતરમાં ચેન્નાઈમાં રમાયેલી ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશને 280 રને હરાવ્યું હતું. આ મેચમાં અનુભવી સ્પિન ઓલરાઉન્ડર શાકિબ અલ હસન પોતાના નામ મુજબ પ્રદર્શન કરી શક્યો નહોતો. તે બે ઇનિંગ્સમાં 32 અને 25 રન જ બનાવી શક્યો હતો. જ્યારે બોલ થી તે પણ પ્રભાવિત કરી શક્યા નહીં. બંને ઇનિંગ્સમાં તેને એક પણ વિકેટ મળી નહોતી. બીજી તરફ મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, શાકિબ કેટલીક જૂની ઈજાથી પીડિત છે, તેના લીધે તેમને રમવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
હવે બાંગ્લાદેશના પસંદગીકાર હન્નાન સરકારે શાકિબની ફિટનેસને લઈને મોટી જાણકારી આપી છે. તેમણે જણાવ્યું છે કે, આ સીરિઝ પહેલા લેફ્ટ આર્મ સ્પિનરને ફિઝિયો દ્વારા સંપૂર્ણ રીતે ફિટ જાહેર કરાયો હતો. હન્નાન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અમને ખબર છે કે, તેમને હાથમાં દુઃખાવો થઈ રહ્યો છે. મેચ પહેલા આવું નહોતું અને ઘણા લોકો દ્વારા તેને અલગ-અલગ રીતે સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ મેચ પહેલા અમે તેમને લેતા પહેલા ફિઝિયો પાસેથી 100 ટકા મંજૂરી લીધી હતી. ત્યારે તે 100 ટકા ફિટ હતા. તમે એ કહી શકતા નથી કે, આ ઈજા છે. તે આંગળીમાં જે તકલીફ થઈ હતી તે મેચ પહેલા નહોતી. તેમણે લાગે છે કે, જ્યારે તેમણે બોલિંગ શરૂ કરી ત્યારે તેને લાગ્યું કે તે ઈજાગ્રસ્ત છે.
બંને ટીમો વચ્ચે શુક્રવારથી ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં સીરીઝની બીજી મેચ રમાવવાની છે. હવે સવાલ એ થાય છે કે શાકિબ આ મેચમાં રમશે કે નહીં? આ અંગે વાત કરતા હન્નાને જણાવ્યું કે, શાકિબ અમારો શ્રેષ્ઠ ખેલાડી છે. જ્યારે તે પ્લેઈંગ ઈલેવનમાં હોય છે ત્યારે અમારા માટે ટીમ કોમ્બિનેશન બનાવવાનું સરળ રહે છે. અમારે આગામી મેચ માટે શાકિબને પસંદ કરતા પહેલા હંમેશા વિચારવું પડશે અને આગામી મેચ પહેલા સમય રહેલો છે. અમે જોઈશું કે, તે કઈ સ્થિતિમાં રહેલ છે.