પશ્ચિમ બંગાળમાં Kolkata ની આરજી કાર મેડિકલ કોલેજ હોસ્પિટલ પાસે એક શંકાસ્પદ બેગ મળી આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. અહીં જુનિયર ડોક્ટરો તાલીમાર્થી મહિલા ડોક્ટરની હત્યા કેસમાં ન્યાયની માંગણીને લઈને પ્રદર્શન કરી રહ્યા છે. સુરક્ષા દળોએ ઘટનાસ્થળે ચાર્જ સંભાળી લીધો છે. જગ્યાની શોધખોળ કરાઈ રહી છે. આ હોસ્પિટલ તબીબ પર દુષ્કર્મ અને હત્યા બાદ ચર્ચામાં આવેલ છે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તેમની સરકાર તપાસ હેઠળ રહેલ છે. આ ઘટના બાદ બંગાળમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે.
જ્યાં એક તરફ Kolkata ની સરકારી હોસ્પિટલ પાસે એક શંકાસ્પદ બેગ મળી આવેલ છે જ્યારે બીજી તરફ ઉત્તર 24 પરગણાના ભાટપારા નગરપાલિકાના વોર્ડ નંબર 12 માં એક ઘરમાંથી ક્રૂડ બોમ્બ પણ મળી આવ્યો છે. ભાટપરા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને ઘટનાસ્થળે બોલાવવામાં આવેલ છે.
કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ-હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર સાથે નિર્દયતાની ઘટના 9 ઓગસ્ટના રોજ ઘટી હતી. મૃતક મેડિકલ કોલેજના ચેસ્ટ મેડિસિન વિભાગના બીજા વર્ષની અનુસ્નાતક વિદ્યાર્થીની અને તાલીમાર્થી તબીબ હતી. આઠ ઓગસ્ટના રોજ પોતાની ડ્યુટી પૂર્ણ કર્યા બાદ રાત્રીના 12 વાગે મિત્રો સાથે ડિનર પણ કર્યું હતું. ત્યારપછી મહિલા તબીબનો કોઈ પત્તો લાગ્યો નહોતો.
ઘટનાના બીજા દિવસે સવારે ચોથા માળે આવેલા સેમિનાર હોલમાંથી ડોક્ટરની અર્ધ નગ્ન અવસ્થામાં લાશ મળી આવતા મેડિકલ કોલેજમાં ચકચાર મચી ગયો હતો. ઘટનાસ્થળેથી મૃતકનો મોબાઈલ ફોન અને લેપટોપ મળી આવ્યા હતા. પ્રારંભિક પીએમ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે, મહિલા તબીબ સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યો હતો. જુનિયર મહિલા ડોક્ટરની લાશ ગાદલા પર પડેલી હતી અને ગાદલા પર લોહીના ડાઘા પણ જોવા મળ્યા હતા. પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું કે, મૃતક મહિલા તબીબને તેના મોં અને બંને આંખો પર ઈજાઓ પહોંચી હતી. પ્રાઈવેટ પાર્ટ પર લોહીના નિશાન અને ચહેરા પર નખના નિશાન જોવા મળી આવ્યા. હોઠ, ગરદન, પેટ, ડાબા પગની ઘૂંટી અને જમણા હાથની આંગળી પર ઈજાના નિશાન રહેલા હતા. આ ઘટના બાદ દેશભરના ડોક્ટરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા છે.