Rajasthan ના ધોલપુર માં એક મોટો અકસ્માત સર્જાયો છે. અહીં બારીમાં ટેમ્પો અને બસ વચ્ચે ભયંકર ટક્કર સર્જાતા 12 લોકોના કરૂણ મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં મોટાભાગના બાળકો અને મહિલાઓ સામેલ છે. અકસ્માતની વાત કરીએ તો આ તમામ લોકો લગ્ન પ્રસંગથી પરત આવી રહ્યા હતા તે સમયે આ અકસ્માત સર્જાયો હતો. તેના પછી આ અકસ્માત બારી સદર પોલીસ સ્ટેશન વિસ્તારના સુનીપુર પાસે સર્જાયો હતો. મૃતકોમાં બાળકોની સંખ્યા 5 થી વધુ હોવાનું પણ સામે આવી રહ્યું છે. અકસ્માત ના લીધે સ્થળ પર દયનીય માહોલ બની ગયો હતો. બારી પોલીસ સ્ટેશન દ્વારા ઘટનાસ્થળ પર પહોંચીને તમામ મૃતદેહોને બારી હોસ્પિટલના પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતનો ભોગ બનેલો ટેમ્પો ધોલપુર નો રહેલો છે પરંતુ જે બસ સાથે તેની ટક્કર થઈ તે ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ ની હોવાનું સામે આવ્યું છે.
તમને જણાવી દઈએ કે, બસ અને ટેમ્પો વચ્ચે ટક્કર એટલી જોરદાર રહેલી હતી કે, ટેમ્પો નો કુચ્ચો બોલી ગયો હતો. તેનો ઉપરનો ભાગ સંપૂર્ણપણે અલગ થઈ ગયો હતો. તેની સાથે બસ નો આગળનો કાચ પણ તૂટી ગયો હતો. નેશનલ હાઈવે 11-બી પર આ અકસ્માતમાં બસ ડ્રાઈવરને પણ ઈજા પહોંચી હતી. તેને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. બસ ખૂબ જ સ્પીડમાં રહેલી હતી. તેના લીધે અકસ્માતમાં વધુ નુકસાન પહોંચ્યું છે.
તેની સાથે જણાવી દઈએ કે, બારી શહેરના ગુમાટ વિસ્તારના રહેવાસી લગભગ 14 લોકો લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે સરમથુરા વિસ્તારના બરૌલી ગયેલા હતા. તેમાંથી મોટાભાગના બાળકો રહેલા હતા. મોડી રાત્રીના તમામ લોકો ટેમ્પો માં બેસી બારી પરત આવી રહ્યા હતા. ત્યારે નેશનલ હાઈવે-11 B પર સુનીપુર ગામની પાસે ધોલપુર થી જયપુર તરફ જઈ રહેલી બસ દ્વારા ટેમ્પોને ટક્કર મારવામાં આવી હતી. અકસ્માત બાદ હાઇવે પર પસાર થતા અન્ય વાહનો સ્થળ પર રોકાઈ ગયા અને પોલીસને આ બાબત જાણ કરી હતી. જાણકારી મળતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી આવ્યો અને ટેમ્પોમાં સવાર લોકોને બારી હોસ્પિટલમાં લઇ ગયા હતા. અકસ્માતમાં બસને પણ નુકસાન પહોંચ્યું હતું, જેને પોલીસ દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યું છે.
10 લોકોના ઘટના સ્થળ પર મોત
તેની સાથે બારી હોસ્પિટલના પીએમઓ ડો. હરિકિશન મંગલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઇજાગ્રસ્તોને બારી હોસ્પિટલમાં લાવવામાં આવતાની સાથે જ સ્થળ પરની તબીબી ટીમ દ્વારા તાત્કાલિક તમામને બચાવવા અને સારવાર આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 14 લોકોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જેમાંથી 10 ના મૃત્યુ નીપજ્યા હતા. ચાર ઇજાગ્રસ્તોને ગંભીર હાલતમાં ધોલપુર રિફર કરવામાં આવ્યા હતા, પરંતુ રસ્તામાં જ બેના મૃત્યુ નીપજ્યા હતા. બે ઈજાગ્રસ્ત ધોલપુર હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા છે.