China માં એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. ચીનના પૂર્વ પ્રાંતમાં એક બસ દ્વારા વિદ્યાર્થીઓના સમૂહને કચડી નાખવામાં આવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. જ્યારે આ અકસ્માતમાં 10 થી વધુ લોકોના મૃત્યુ નીપજ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે.
જાણકારી મુજબ, મંગળવારના એટલે આજે શાનડોંગ પ્રાંતમાં વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાના એક જૂથને બસે કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં 11 લોકોના મૃત્યુ નીપજ્યા હતા અને 13 લોકોને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. જાણકારી મુજબ, વિદ્યાર્થીઓ અને માતા-પિતા સવારના સાત્યા વાગ્યા પછી તાઈઆન શહેરમાં એક શાળાના ગેટ પર રાહ જોઈ રહ્યા હતા, તે સમયે આ ભયંકર અકસ્માત સર્જાયો હતો.
ડોંગપિંગ કાઉન્ટી પોલીસ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જે લોકોએ જીવ ગુમાવ્યા છે તેમાં છ માતા-પિતા અને પાંચ વિદ્યાર્થીઓ સામેલ છે. ઇજાગ્રસ્તોમાં એકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે જ્યારે અન્યની હાલત સ્થિર રહેલી છે. તેમ છતાં અકસ્માતનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. જ્યારે આ મામલામાં ડોંગપિંગ કાઉન્ટી પોલીસ દ્વારા બસ ડ્રાઈવરને કસ્ટડીમાં લઈ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અગાઉ 2017 માં, પૂર્વી ચીનના વેહાઈ શહેરમાં એક સ્કૂલ બસ ટનલ સાથે અથડતા બસમાં આગ ફાટી નીકળતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 11 વિદ્યાર્થીઓ સહિત 12 લોકોના કરુણ મૃત્યુ નીપજ્યા હતા. આ પણ શેનડોંગ પ્રાંતમાં જ છે.