હરિયાણામાં કોંગ્રેસની હાર બાદ તેના સાથી પક્ષો પર સવાલો ઉઠાવવાનું શરૂ થઈ ગયું છે. એવામાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા કહેવામાં આવ્યું છે કે, જો હરિયાણામાં કોંગ્રેસ-આપનું ગઠબંધન થઈ ગયું હોત તો પરિણામો અલગ જોવા મળ્યા હોત. તેની સાથે આમ આદમી પાર્ટી દ્વારા જાહેરાત કરતા જણાવવામાં આવ્યું છે કે, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન કરવામાં આવશે નહીં.
આમ આદમી પાર્ટી (AAP) દ્વારા જણાવવામાં આવ્યું છે કે, દિલ્હીની ચૂંટણી AAP દ્વારા એકલા હાથે લડવામાં આવશે. આમ આદમી પાર્ટીના પ્રવક્તા પ્રિયંકા કક્કર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પાર્ટી દિલ્હી વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડશે. કક્કર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ‘અમે દિલ્હી વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડીશું. એક બાજુ અતિ આત્મવિશ્વાસુ કોંગ્રેસ છે અને બીજી તરફ ઘમંડી ભારતીય જનતા પાર્ટી રહેલ છે. અમે છેલ્લા 10 વર્ષમાં કરેલા અમારા કામ વિશે જનતાને અમે જણાવીશું.
દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી 2025 ની શરૂઆતમાં થવાની આશા રહેલી છે. 2020 ની વિધાનસભા ચૂંટણીમાં AAP દ્વારા 70 માંથી 62 બેઠકો જીતવામાં આવી હતી. જ્યારે ભારતીય જનતા પાર્ટીને આઠ બેઠકો પ્રાપ્ત થઈ હતી. આ અગાઉ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, હરિયાણા ચૂંટણી પરિણામોમાંથી ‘સૌથી મોટી શીખ’ એ છે કે, ક્યારેય વધારે આત્મવિશ્વાસ રાખવો જોઈએ નહીં.
તેની સાથે તેમના દ્વારા પાર્ટી કાર્યકર્તાઓને આગામી વર્ષે દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે સખત મહેનત કરવાની વિનંતી કરવામાં આવી છે. દિલ્હીમાં ‘આપ’ કાઉન્સિલરોને સંબોધતા અરવિંદ કેજરીવાલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ‘ચૂંટણી નજીક આવી રહી છે. ચૂંટણીને હળવાશથી લેવી જોઈએ નહીં. આજની ચૂંટણીમાંથી સૌથી મોટો બોધપાઠ એ છે કે, વ્યક્તિએ ક્યારેય વધારે આત્મવિશ્વાસ રાખવો જોઈએ નહીં. દરેક ચૂંટણી, દરેક બેઠક મુશ્કેલ હોય છે.