NCP નેતા Baba Siddique ની હત્યા કેસમાં ધરપકડ કરાયેલા ચાર આરોપીઓની પોલીસ કસ્ટડીમાં એસ્પ્લેનેડ કોર્ટ દ્વારા વધારો કરવામાં આવ્યો છે. કોર્ટ દ્વારા આરોપી ગુરમેલ સિંહ, ધરમરાજ કશ્યપ, પ્રવીણ લોંકર અને હરીશ કુમાર ને 25 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. મુંબઈ પોલીસ દ્વારા ચારેય આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં સોમવારના કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને અજિત પવાર ની NCP ના દિગ્ગજ નેતા બાબા સિદ્દિકીની 12 ઓક્ટોબર ની રાત્રીના ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. રાત્રીના તે તેમના પુત્ર અને કોંગ્રેસ નેતા જીશાન સિદ્દીકી ઓફિસમાંથી બહાર આવી રહ્યા હતા તે સમયે તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેમનું ટૂંકી સારવાર બાદ લીલાવતી હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું હતું. હત્યા કેસમાં પ્રથમ આરોપી ગુરમેલ સિંહ અને ધરમરાજ કશ્યપ પકડાયા હતા. ત્યાર બાદ હત્યાનું કાવતરું ઘડનાર આરોપી શુભમ લોંકર ના ભાઈ પ્રવીણ લોંકર ની ધરપકડ કરાઈ હતી. થોડા દિવસો બાદ અન્ય આરોપી હરીશ કુમાર પણ ઝડપાયો હતો. એસ્પ્લેનેડ કોર્ટ દ્વારા ચારેય આરોપીઓને 20 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. સોમવારના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતા પોલીસ દ્વારા ચારેય આરોપીઓને લઈને કોર્ટમાં આવ્યા હતા. આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટ દ્વારા ચારેય આરોપીઓ ના પોલીસ રિમાન્ડ 25 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવ્યા હતા.
જ્યારે બાબા સિદ્દીકી હત્યા કેસમાં મુંબઈ પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હત્યાના મુખ્ય શૂટર્સ શિવકુમાર ગૌતમ, શુભમ લોંકર અને મોહમ્મદ જીશાન અખ્તર હાલમાં ફરાર રહેલ છે. પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓ સામે લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યો છે. હત્યા કેસમાં દરરોજ નવા નવા ખુલાસાઓ કરવામાં આવી રહ્યા છે. મુંબઈ પોલીસના જણાવ્યા મુજબ, આ હત્યામાં સામેલ આરોપીઓ દ્વારા યુટ્યુબ પર જોઈને હથિયારોનો ઉપયોગ કરવાનું શીખવામાં આવ્યું હતું. જ્યારે મુખ્ય આરોપી શિવકુમાર ગૌતમ લગ્નમાં ફટાકડા ફોડતા સમયે હથિયારોનો ઉપયોગ કરવાનું શીખવાડવામાં આવ્યું હતું.