Bangladesh સરકારે સોમવારે ઈન્ટરનેટ સંપૂર્ણ રીતે બંધ કરવાનો આદેશ આપ્યો હતો. પ્રદર્શનકારીઓએ સામાન્ય જનતાને ‘લોંગ માર્ચ ટુ ઢાકા’માં ભાગ લેવાની અપીલ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેના એક દિવસ પહેલા દેશના જુદા જુદા ભાગોમાં વિરોધીઓ અને શાસક પક્ષના સમર્થકો વચ્ચેની અથડામણમાં 100 થી વધુ લોકોના મોત થયા હતા. બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસાને કારણે ભારતે તેના તમામ નાગરિકોને આગામી સૂચના સુધી પડોશી દેશની મુસાફરી ન કરવાની સલાહ આપી છે.
જો કે, આ અથડામણ રવિવારે સવારે થઈ જ્યારે વિરોધીઓ ‘વિધાર્થીઓ વિરુદ્ધ ભેદભાવ’ના બેનર હેઠળ આયોજિત ‘અસહકાર કાર્યક્રમ’માં ભાગ લેવા આવ્યા હતા. અવામી લીગ, છત્ર લીગ અને જુબો લીગના કાર્યકરોએ તેમનો વિરોધ કર્યો અને ત્યારબાદ બંને પક્ષો વચ્ચે અથડામણ થઈ. પ્રદર્શનકારીઓ સરકારી નોકરીઓમાં અનામત પદ્ધતિના મુદ્દે હસીનાના રાજીનામાની માંગ કરી રહ્યા છે.
બંગાળી ભાષાના નામાંકીત અખબાર પ્રથમ આલોએ અહેવાલ આપ્યો છે કે, રવિવારે થયેલી અથડામણમાં 14 પોલીસકર્મીઓ સહિત ઓછામાં ઓછા 101 લોકો માર્યા ગયા હતા. જ્યારે હિંસાને કારણે સત્તાવાળાઓને મોબાઈલ ઈન્ટરનેટ બંધ કરવા અને સમગ્ર દેશમાં અનિશ્ચિત કર્ફ્યુ લાદવાની ફરજ પડી હતી.
જ્યારે, બાંગ્લાદેશમાં ચાલી રહેલા સંઘર્ષને કાબૂમાં લેવા માટે સરકારે 5 થી 7 ઓગસ્ટ સુધી 3 દિવસની રજા જાહેર કરી છે. તે જ સમયે, વિદ્યાર્થી નેતા આસિફ મહેમૂદે પ્રદર્શનકારીઓને લડત માટે તૈયાર રહેવા કહ્યું છે. તેણે કહ્યું કે, લાકડીઓ તૈયાર કરો અને બાંગ્લાદેશને આઝાદ કરો.