અમદાવાદમાં વરસાદી પાણીના સંગ્રહ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel ) દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમદાવાદ મહાનગર પાલિકાને ઉત્તર પશ્ચિમ, દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમ એમ ત્રણ ઝોનમાં વરસાદી પાણીના સંગ્રહ રેઈન વોટર હાર્વેસ્ટિંગ ના 7497 કામો હાથ ધરવા માટે 144.32 કરોડ રૂપિયાની ફાળવણી કરવાની મંજૂરી આપવામાં આવી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનામાંથી આ કામોનું આયોજન અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે.
ભૂગર્ભ જળ સંચય નીતિ
તમને જણાવી દઈએ કે, આ યોજનામાં 70:20:10 અનુસાર પીપીપી ધોરણે ખાનગી સોસાયટી ઓમાં સુવિધા વૃદ્ધિના લોકહિત કામો હાથ ધરાશે. અમદાવાદ મહાનગર પાલિકાના ઉત્તર પશ્ચિમ ઝોનમાં 3180, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 1617 તથા પશ્ચિમ ઝોનમાં 2500 મળી કુલ 7497 સોસાયટી ઓ દ્વારા રેઈન વોટર હાર્વેસ્ટિંગ કામો માટે અરજી ઓ પ્રાપ્ત થઈ છે. રાજ્યમાં વરસાદી પાણીના સંગ્રહના કામોને વેગ આપવા માટે ભૂગર્ભ જળ સંચય નીતિ હેઠળ પીપીપી ધોરણે પરકોલેટિંગ વેલ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું છે.
અમદાવાદ મહાનગરપાલિકાનો નિર્ણય
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણીના સંગ્રહના અભિયાન હેઠળ રહેણાંક સોસાયટી ઓ, બહુમાળી મકાનો, એપાર્ટમેન્ટ્સમાં ગ્રાઉન્ડ વોટર ટેબલ રિચાર્જ કરવા ના અભિગમ સાથે પીપીપી ધોરણે પરકોલેટિંગ વેલ નિર્માણનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ હેતુસર રાજ્યના શહેરી વિકાસ વિભાગ મારફતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂ કરેલ કુલ 206.16 કરોડ રૂપિયાની દરખાસ્તમાં રાજ્ય સરકારની 70 ટકા સહાય મુજબ રૂપિયા 144.32 કરોડની ફાળવણી કરવા મુખ્યમંત્રી દ્વારા અનુમતિ આપવામાં આવી છે.