એક્સાઈઝ પોલિસી કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં સોમવારે દિલ્હી હાઈકોર્ટ તરફથી મુખ્યમંત્રી Arvind Kejriwal ને એક મોટો ઝટકો લાગ્યો છે.
દિલ્હી હાઈકોર્ટે સીબીઆઈ દ્વારા કરાયેલી ધરપકડને પડકારતી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજીને ફગાવી દીધી છે. કેજરીવાલે સીબીઆઈ દ્વારા કરાયેલી ધરપકડને પડકારી હતી. જો કે, હાઈકોર્ટે કેજરીવાલની વચગાળાની જામીન અરજીને પણ નીચલી કોર્ટમાં જવાની પરવાનગી સાથે ફગાવી દીધી છે.
ભ્રષ્ટાચારના કેસમાં CBIની ટીમે 26 જૂને દિલ્હીના સીએમની ધરપકડ કરી હતી. જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 21 માર્ચે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી.
CBI કેસમાં 8 ઓગસ્ટ સુધી કેજરીવાલ ન્યાયિક હિરાસતમાં
ઉલ્લેખનીય છે કે, 25 જુલાઈના રોજ રાઉઝ એવન્યુ કોર્ટે એક્સાઈઝ પોલિસી કૌભાંડ સંબંધિત સીબીઆઈ કેસમાં અરવિંદ કેજરીવાલની ન્યાયિક હિરાસત 8 ઓગસ્ટ સુધી લંબાવી હતી. હાલમાં તે CBI અને ED બંને કેસમાં દિલ્હીની તિહાર જેલમાં ન્યાયિક હિરાસતમાં છે.
ED કેસમાં વચગાળાના જામીન મંજૂર
તમને જણાવી દઈએ કે, કેજરીવાલને મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળી ગયા છે. આ મામલે દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને BRS નેતા કે. કવિતા તિહાર જેલમાં ન્યાયિક હિરાસતમાં છે.
CBIએ કેજરીવાલ સામે દાખલ કરી અંતિમ ચાર્જશીટ
તાજેતરમાં, એફઆઈઆર નોંધ્યાના 712 દિવસ પછી અને એક્સાઇઝ કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં તપાસ શરૂ કર્યા પછી, સીબીઆઈએ રાઉઝ એવન્યુ કોર્ટમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને અન્ય પાંચ સામે 200 પાનાની વ્યાપક ચાર્જશીટ દાખલ કરી છે. સીબીઆઈએ આ કેસની તપાસ પૂર્ણ કરી લીધી છે.
સીબીઆઈએ આ અંતિમ ચાર્જશીટમાં કેજરીવાલને પાર્ટીના સંરક્ષક અને વ્યક્તિગત આરોપી બનાવ્યા છે. કેજરીવાલ ઉપરાંત સીબીઆઈએ આમ આદમી પાર્ટીના રાજેન્દ્ર નગરના ધારાસભ્ય દુર્ગેશ પાઠક, અરબિંદો ફાર્માના નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સરથ રેડ્ડી, બડી રિટેલ પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર અમિત અરોરા, ઉદ્યોગસાહસિક આશિષ માથુર અને હવાલા ઓપરેટર વિનોદ ચૌહાણ વિરુદ્ધ તેમની ધરપકડ કર્યા વગર જ આરોપ લગાવ્યાં છે.