મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં આજે રવિવારે ભયંકર ભીષણ આગ લાગી હતી. આ આગ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે આજે વહેલી સવારે ચેમ્બુર વિસ્તારમાં સિદ્ધાર્થ કોલોનીમાં એક માળની ચાલમાં આગ લાગી હતી. આ આગમાં એક જ પરિવારના સાત લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જો કે હાલમાં ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે અને કૂલિંગ ઓપરેશન હજુ ચાલુ છે.
BMC અધિકારીઓએ જણાવ્યું કે આજે સવારે લગભગ 5 વાગ્યે ચેમ્બુરમાં એક દુકાનમાં લાગેલી આગમાં 3 બાળકો સહિત 7 લોકોના મોત થયા છે. તમામ પીડિતો દુકાનની ઉપરના રૂમમાં રહેતા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે આગ લાગી ત્યારે તમામ પીડિતો સૂતા હતા અને તેમને ઘરની બહાર નીકળવાની તક મળી ન હતી. આગ સૌથી પહેલા દુકાનના ઈલેક્ટ્રીક વાયરિંગમાં લાગી હતી અને થોડી જ વારમાં ઉપરના માળે ફેલાઈ ગઈ હતી.
બચાવ પછી, પીડિતોને તાત્કાલિક સરકારી રાજાવાડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જો કે જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. મૃતકોના નામ અનિતા ગુપ્તા (39 વર્ષ), પ્રેમ ગુપ્તા અને મંજુ પ્રેમ ગુપ્તા (30 વર્ષ), નરેન્દ્ર ગુપ્તા (10) અને પેરિસ ગુપ્તા (7 વર્ષ) છે. જયારે હાલમાં આ આગ કેવી રીતે લાગી હતી જેની તપાસ કરવામાં આવી રહી છે.
DCP હેમરાજ સિંહ રાજપૂતે કહ્યું કે અમને સવારે 6 વાગ્યાની આસપાસ આગની માહિતી મળી હતી. આ આગમાં 7 લોકો દાઝી ગયા અને મૃત્યુ પામ્યા. આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ આ મામલે તપાસ કરી રહી છે. જો કે તપાસ બાદ જ આ આગનું ચોક્કસ કારણ જાણી શકાશે.