ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર આ દિવસોમાં વર્ષનો સૌથી મોટો સેલ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં લોકો દ્વારા ડિસ્કાઉન્ટનો લાભ લેવા માટે ભારે ખરીદી કરવામાં આવી રહી છે. ઈ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા ખોટા માલની ડિલિવરી ના કિસ્સા અવારનવાર સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ દિગ્ગજ કંપની Flipkart દ્વારા ખોટા સામાનની ડિલિવરી નો કેસ સામે આવ્યો હતો. ગ્રાહક ની ફરિયાદ પર કોઈ કાર્યવાહી ન થવાના લીધે હવે કંપની પર સામાનની કિંમત કરતા દસ ગણો દંડ ફટકારવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે, દિલ્હીના નજફગઢ વિસ્તારમાં રહેનાર ગ્રાહક લલિત કુમાર દ્વારા નવેમ્બર 2021માં Flipkart પરથી બ્લૂટૂથ હેડફોન મંગાવવામાં આવ્યો હતો. લલિત ને તેમનો સામાન 10 નવેમ્બર 2021 ના રોજ પહોંચાડવામાં આવ્યો હતો. જ્યારે તેમના દ્વારા 11 નવેમ્બરના રોજ તેનું બોક્સ ખોલવામાં આવ્યું હતું. બોક્સ ખોલતા જ તેને બ્લૂટૂથ હેડફોન ને બદલે વાયરવાળા હેડફોન પ્રાપ્ત થયા હતા.
ખોટા હેડફોન ડિલિવરી થયા બાદ ગ્રાહક દ્વારા તેની ફરિયાદ કસ્ટમર કેર માં કરી તેને પરત કરવાની માંગણી કરી હતી. તેમ છતાં ફ્લિપકાર્ટ દ્વારા ગ્રાહક ની માંગ સ્વીકારવામાં આવી નહોતી. કંપની દ્વારા તેમની માંગ ન સ્વીકારવા નું કારણ એ જણાવ્યું હતું કે, તેમણે 48 કલાક પછી ફરિયાદ કરી છે. ગ્રાહક દ્વારા અનેક વખત ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ કંપની દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નહોતી.
આ બાદ ગ્રાહક લલિત દ્વારા આ સમગ્ર મામલે ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરવામાં આવી હતી. કેસની સુનાવણી કરતા ફોરમના અધ્યક્ષ સુરેશ કુમાર ગુપ્તા, હર્ષાલી કૌર અને રમેશ ચંદ્ર યાદવની બનેલી બેન્ચ દ્વારા દિગ્ગજ ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને હેડફોન મેન્યુફેક્ચરિંગ કંપની બંને પર 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
ડિલિવરી બાદ જરૂર કરો આ કામ
તમને જણાવી દઈએ કે, આ પ્રથમ વખત નથી જ્યારે ફ્લિપકાર્ટ પરથી ખોટો સામાન પહોંચાડવામાં આવ્યો હોય. આ પહેલા આઈ ફોન બુક કરાવતી વખતે ખોટા સામાનની ડિલિવરી ના ઘણા કિસ્સા પણ સામે આવ્યા છે. તેના લીધે જો તમે સેલ ઓફર માં કોઈપણ વસ્તુનું બુકિંગ કરી રહ્યાં છો, તો ખૂબ કાળજીપૂર્વક કરજો. જ્યારે તમને સામાન પહોંચાડવામાં આવે, ત્યારે બોક્સ ખોલતી વખતે તેનો વીડિયો જરૂર બનાવો. આવી સ્થિતિમાં જો તમને ખોટો સામાન પહોંચાડવામાં આવશે તો તમે તેનો ઉપયોગ પુરાવા તરીકે કરી શકશો.