Bharuch જિલ્લા થી મોટા સમાચાર સામે આવ્યા છે. ભરૂચ જિલ્લામાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુકત પદાર્થો ના ખરીદ કે વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે ગેરકાયદેસર પ્રવૃતિ કરનારા ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવી છે. એવામાં ‘NO DRUGS IN BHARUCH CAMPAIGN’ ના અંતર્ગત એસ. ઓ. જી. પી. આઈ. એ. એ. ચૌધરી ના માર્ગદર્શન હેઠળ એસ. ઓ. જી. સ્ટાફની ટીમો બનાવી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ બાબતમાં એસ. ઓ. જી. ટીમ દ્વારા જિલ્લામાં અસરકારક પેટ્રોલીંગની કામગીરી હાથ ધરવામાં આવતા પી. એસ. આઈ. એમ. એચ. વાઢેર ને જાણકારી મળી હતી કે, ચાવજ થી ભરુચ આવતી એક સ્કૂલ વાન માં ડ્રગ્સ લાવવામાં આવે છે. ત્યાર બાદ બાતમીના આધારે રહાડપોર નજીક પોલીસનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન એક વાન આવતા આરોપી પ્રકાશ પટેલ ની મારુતિ વાન માંથી ગેરકાયદેસર નશાકારક એમ. ડી. ડ્રગ્સ નો રૂ. 6,20,000 /- ની કિંમતનો 62 ગ્રામ જથ્થો મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી છે.
તેની સાથે વાનમાંથી વજન કાંટો તેમજ ઝીપર બેગો પણ મળી હતી. પોલીસ દ્વારા ગાડી સહિત સાત લાખ રૂપિયા ના મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરૂધ્ધ એન. ડી. પી. એસ. એકટ કલમ – ૮ (સી), ૨૨(સી), ૨૫ અનુસાર ભરૂચ શહેર એ ડી વી. પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આરોપી સામે રિમાન્ડની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.