બુધવારના Nepal થી એટલે આજે એક દુઃખદ ઘટના સામે આવી છે. નેપાળમાં કાઠમંડુના ઉત્તર પશ્ચિમમાં એક પહાડી વિસ્તારમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ઓછામાં ઓછા પાંચ લોકોના મૃત્યુ નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.
આ મામલામાં ન્યૂઝ એજન્સી પીટીઆઈના મીડિયા રિપોર્ટ મુજબ જાણવા મળ્યું છે કે, પોલીસ દ્વારા નુવાકોટની શિવપુરી ગ્રામીણ નગરપાલિકાના વોર્ડ નંબર સાતમાં અકસ્માત સ્થળ પરથી પાંચ મૃતદેહો મળી આવ્યા છે. જીવ ગુમાવનારાઓમાં ચાર ચીની પ્રવાસીઓ હોવાનું સામે આવ્યું છે.
દુર્ઘટના સમયે, ‘એર ડાયનેસ્ટી હેલિકોપ્ટર, 9N-AZD’ કાઠમંડુથી રાસુવા તરફ જઈ રહ્યું હતું. હેલિકોપ્ટર દ્વારા કાઠમંડુથી બપોરના 1:54 વાગ્યે ઉડાન ભરવામાં આવી હતી પરંતુ ટેકઓફની ત્રણ મિનિટ બાદ સંપર્ક તૂટી ગયો હતો. એક પોલીસ અધિકારીના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે, અકસ્માત સ્થળ પરથી બે પુરૂષો, એક મહિલા અને પાયલટના મૃતદેહ મળી આવેલ છે. એક મૃતદેહ ખરાબ રીતે દાઝી ગયો હોવાના લીધે હજુ સુધી તેની ઓળખ કરી શકાય નથી.
તેની સાથે તમને જણાવી દઈએ કે, આ અગાઉ 24 જુલાઈના રોજ ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સૈરી એરલાઈન્સની વિમાન દુર્ઘટના ઘટી હતી. આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર 18 લોકોના મૃત્યુ નીપજ્યા હતા. જેમાં માત્ર કેપ્ટન જ બચી ગયા હતા.