ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા બાંગ્લાદેશ સામેની બીજી Test મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ચેન્નાઈમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતે બાંગ્લાદેશ ને 280 રનથી હરાવીને બે મેચની સીરીઝમાં 1-0 ની લીડ પ્રાપ્ત કરી લીધી છે. હવે બંને ટીમો વચ્ચે બીજી અને અંતિમ ટેસ્ટ મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરના ગ્રીન પાર્ક માં રમાવાની છે.
ભારતે આ ટેસ્ટ મેચ માટે એ જ ટીમ જાળવી રાખી છે જે પ્રથમ ટેસ્ટ મેચ માટે જાહેર કરાઈ હતી. એવું માનવામાં આવી રહ્યું હતું કે, ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને બીજી ટેસ્ટમાંથી આરામ આપવામાં આવી શકે છે, પરંતુ પસંદગીકારોએ તેમને પણ ટીમમાં સામેલ કર્યા છે. જસપ્રીત બુમરાહ સિવાય ઝડપી બોલર યશ દયાલ અને આકાશ દીપ દ્વારા પણ પોતાનું સ્થાન જાળવી રાખવામાં આવ્યું છે, જ્યારે સરફરાઝ ખાન અને વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલ પણ ટીમ સાથે રહેવાના છે. ભારત દ્વારા ત્રણ ઝડપી બોલરોને ચેન્નાઈ ટેસ્ટમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ મેચમાં યશ દયાલ ને પ્લેઇંગ-11 માં જગ્યા મળી નહોતી. હવે જોવાનું એ રહેશે કે, કાનપુર ટેસ્ટ માટે ટીમ ઈલેવનમાં કોઈ ફેરફાર કરે છે કે પછી તે જ ટીમ સાથે ઉતરશે.
મોહમ્મદ શમીની વાપસી
ગયા વર્ષ ના વનડે વર્લ્ડ કપ થી ઈજાના લીધે ભારતીય ટીમમાંથી બહાર રહેલા ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની વાપસીની રાહ હજુ પણ વધી ગઈ છે. ફિટનેસ તરફ આગળ વધી રહેલા શમીને પ્રથમ ટેસ્ટમાં સામેલ કરવામાં આવ્યો નહોતો. તે સમયે એવું લાગી રહ્યું હતું કે, કદાચ પસંદગીકારો શમીને સંપૂર્ણ રીતે ફિટ થવા માટે થોડો વધુ સમય આપવા ઈચ્છે છે, પરંતુ તેનું નામ બીજી ટેસ્ટ માટે જાહેર કરવામાં આવેલી ટીમમાં પણ રહેલ નથી. પસંદગી સમિતિના અધ્યક્ષ અજીત અગરકર દ્વારા અગાઉ જણાવવામાં આવ્યું હતું કે, જમણા હાથના ફાસ્ટ બોલર બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં પુનરાગમન કરવાનો ટાર્ગેટ રહેલો છે. છેલ્લા કેટલાક દિવસોથી એવી ચર્ચા થઈ રહી હતી કે, શમી બાંગ્લાદેશ સામેની સીરીઝમાં થી મેદાનમાં પરત ફરી શકે છે, પરંતુ આ ટીમ સામેની ટેસ્ટ સીરીઝ માટે તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નહોતો. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે, શમી ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ નો ભાગ બનશે કે કેમ? અથવા તેમને હજુ પણ વાપસી માટે રાહ જોવી પડશે.
બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, લોકેશ રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, જસપ્રીત બુમરાહ, યશ દયાલ.