ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન દ્વારા ઘરેલુ ક્રિકેટમાં શાનદાર વાપસી કરવામાં આવી છે. તેમના દ્વારા ઝારખંડ તરફથી રમતા સદી ફટકારવામાં આવી છે. મધ્યપ્રદેશ સામે રમાઈ રહેલી બૂચી બાબુ ટૂર્નામેન્ટમાં ઝારખંડ તરફથી રમતા ઈશાન દ્વારા શાનદાર ઇનિંગ રમવામાં આવી હતી. આ મેચમાં ઝારખંડની આગેવાની કરતા ઈશાન કિશાન દ્વારા બીજા દિવસે છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા માટે ઉતર્યો હતો. જ્યારે મધ્યપ્રદેશની ઇનિંગ્સ 225 રનમાં સમાપ્ત થઇ ગઇ હતી.
ઇશાન કિશન દ્વારા 61 બોલમાં અડધી સદી અને ત્યારબાદ 86 બોલમાં સદી પૂરી કરવામાં આવી હતી. આ દરમિયાન ઈશાન કિશાન દ્વારા 39 બોલમાં 9 સિક્સર ફટકારવામાં આવી હતી. ઇશાન કિશાનની ઇનિંગના આધારે જ ઝારખંડ દ્વારા મધ્યપ્રદેશ સામે મજબુતાઈ પ્રાપ્ત કરવામાં આવી હતી. ઇશાન ગયા વર્ષ સુધી તમામ ફોર્મેટમાં ભારતીય ટીમના ભાગ હતા, પરંતુ 2023 સીઝનના અંતે તેણે સતત મુસાફરીના લીધે બ્રેક માંગ્યો હતો. ત્યાર બાદ ઈશાન કિશાન ભારતીય ટીમમાં જગ્યા બનાવી શક્યા નથી. જૂનમાં આયોજિત ટી-20 વર્લ્ડ કપ માટેની ટીમમાં પણ તેમની પસંદગી કરવામાં આવી નહોતી.
ઇશાન અને શ્રેયસ અય્યરને આ વર્ષે ફેબ્રુઆરીમાં બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) દ્વારા કેન્દ્રીય કરારમાંથી બહાર કરવામાં આવ્યા હતા. કારણ કે બંને ખેલાડીઓ દ્વારા ઘરેલુ રેડ બોલ ટુર્નામેન્ટમાં ભાગ લેવામાં આવ્યો નહોતો. ઈશાન કિશાન દ્વારા IPL 2024 થી સ્પર્ધાત્મક ક્રિકેટમાં વાપસી કરી અને મુંબઈ ઈન્ડિયન્સ માટે 14 મેચોમાં કુલ 320 રન બનાવ્યા હતા. જેમાં એક અડધી સદી પણ સામેલ હતી.
ઈશાન કિશાન ભારત માટે છેલ્લી વખત નવેમ્બર 2023 માં ટી-20 મેચ રમ્યા હતા. જ્યારે તે છેલ્લે ગત વર્ષે જુલાઈમાં રાષ્ટ્રીય ટીમ માટે ટેસ્ટ મેચ રમ્યા હતા. આ અગાઉ ઈશાન કિશાનને આવતા મહિને શરૂ થનારી દુલીપ ટ્રોફી માટે ઈન્ડિયા-ડી ટીમમાં વિકેટકીપર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ ટીમની આગેવાની શ્રેયસ અય્યર દ્વારા કરવામાં આવશે.