Jasprit Bumrah નો આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં મોટો ધમાકો, બન્યો નંબર વન બોલર

Amit Darji

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની જીતમાં કેપ્ટન Jasprit Bumrah નું મોટું યોગદાન રહ્યું હતું. તેમના દ્વારા પ્રથમ ઇનિંગમાં પાંચ અને બીજી ઇનિંગમાં ત્રણ વિકેટ લેવામાં આવી હતી. એવામાં કેપ્ટન બન્યા બાદ અને ઓસ્ટ્રેલિયા ને ઘરઆંગણે હરાવીને જસપ્રીત બુમરાહ ICC ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન પર આવી ગયો છે. તેની સાથે કારકિર્દીનું સર્વકાલીન ઉચ્ચ રેટિંગ પણ પ્રાપ્ત કરી લીધું છે.

તેની સાથે જણાવી દઈએ કે, જસપ્રીત બુમરાહ દ્વારા ટેસ્ટમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ બીજી વખત કરવામાં આવી હતી. આ અગાઉ જ્યારે તે ઈંગ્લેન્ડ સામે કેપ્ટન બન્યો તે સમયે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેમણે ઓસ્ટ્રેલિયામાં કમાલ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે તેમની પ્રથમ જ ટેસ્ટમાં હરાવ્યું હતું. જસપ્રીત બુમરાહ દ્વારા આ મેચમાં શાનદાર બોલિંગ કરી અને સંપૂર્ણ મેચમાં આઠ વિકેટ ઝડપી હતી.

જસપ્રીત બુમરાહ દ્વારા તેની સાથે ઓલ ટાઈમ હાઈ રેટિંગ પણ પ્રાપ્ત કરી લેવામાં આવી છે. હવે તેમની રેટિંગ 883 પહોંચી ગઈ છે. જસપ્રીત બુમરાહે આ વખતે બે સ્થાનના સુધારા સાથે આ દરજ્જો પ્રાપ્ત કર્યો છે. એટલે કે કેપ્ટન બનતાની સાથે જ જસપ્રીત બુમરાહે તે પ્રાપ્ત કરી લીધું જે તે પહેલા કરી શક્યો નહોતો. જસપ્રીત બુમરાહ આગળ જવાથી કાગીસો રબાડા અને જોશ હેઝલવુડ ને નુકસાન પહોંચ્યું છે. આ અગાઉ કાગિસો રબાડા પ્રથમ નંબર પર રહેલા હતા, પરંતુ હવે તે બીજા સ્થાન પર પહોંચી ગયા છે. તેમના રેટિંગ 872 પોઈન્ટ રહેલ છે. ઓસ્ટ્રેલિયાનો જોશ હેઝલવુડ હવે બીજા સ્થાનથી ત્રીજા સ્થાન પર આવી ગયો છે. તેમના રેટિંગ 860 છે.

ભારતના રવિચંદ્રન અશ્વિન ને પ્રથમ ટેસ્ટ રમવાની તક મળી નહોતી, તેમ છતાં તે એક સ્થાન ઉપર પહોંચી ગયા છે. હવે તે 807 રેટિંગ સાથે ચોથા નંબર પર પહોંચી ગયા છે. શ્રીલંકાના પ્રભાત જયસૂર્યા હવે 801 રેટિંગ સાથે પાંચમાં સ્થાન પર આવી ગયો છે. તેને બે સ્થાનનો ફાયદો થયેલ છે. ઓસ્ટ્રેલિયા ના ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સ ને પણ નુકસાન થયું છે. તે 796 રેટિંગ સાથે છઠ્ઠા નંબર પર પહોંચી ગયા છે. તે પણ બે સ્થાન નીચે આવી ગયા છે.

ભારતના રવિન્દ્ર જાડેજાના રેટિંગ હવે 794 થઈ ગયા છે તે એક સ્થાન નીચે આવતા સાતમાં નંબર પર આવી ગયો છે. ઓસ્ટ્રેલિયાના નાથન લિયોનને પણ એક સ્થાનનું નુકસાન થયું છે. તે 782 રેટિંગ સાથે 8માં નંબર પર આવી ગયો છે. પાકિસ્તાનનો નોમાન અલી 759 ના રેટિંગ સાથે 9મા નંબર પર અને ન્યૂઝીલેન્ડનો મેટ હેનરી 750 ના રેટિંગ સાથે દસમા નંબર પર યથાવત રહેલો છે.

Share This Article
Leave a comment