Ahmedabad ના ગોતા વિસ્તારમાં રાજપૂત ભવન ખાતે ક્ષત્રિય સમાજનું 20 સપ્ટેમ્બરના રોજ એટલે શુક્રવારના રોજ ભવ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે આ સંમેલનની શરૂઆત અને અંત બન્ને વિવાદાસ્પદ રહી હતી. કેમ કે, સંમેલન પહેલા ભાવનગરના યુવરાજ દ્વારા પોતાના વડીલોના દૂરઉપયોગ ન કરવા ચેતવણી આપવામાં આવી હતી. જ્યારે સંમેલનના દિવસે પદ્મિનીબા વાળા આયોજકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. તેના લીધે ક્ષત્રિય સમાજના મહાસંમેલનમાં વિવાદ જોવા મળ્યો હતો.
તમને જણાવી દઈએ કે, આ કાર્યક્રમમાં પદ્મિનીબા વાળાને સ્ટેજ પર સ્થાન ન આપવામાં આવતા તેમના દ્વારા મહિલાઓનું સન્માન ન જળવાતું હોવાની વાત કરી હોબાળો કરવામાં આવ્યો હતો. આંદોલન દરમિયાન પણ અન્યાય કરવામાં આવ્યો હોવાની વાત જણાવી હોબાળો કર્યો હતો.
તેની સાથે જણાવી દઈએ કે, આ સંમેલન દરમિયાન ભાવનગરના મહારાજા વિજયરાજસિંહને સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના પ્રમુખ બનાવવામાં આવ્યા અને કાર્યકારી પ્રમુખ તરીકે દાંતાના રિદ્ધિરાજસિંહની નિમણૂકતા કરાઈ હતી. ક્ષત્રિય સમાજના આ સંમેલનમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સહિત મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ભેગા થયા હતા. તે સમયે દાંતા સ્ટેટના રાજવી રિદ્ધિરાજસિંહ તથા ગોંડલ, દાંતા, પાલિતાણા, ભાવનગર અને ગાંગડ વગેરે સ્ટેટના રાજવીઓ અને કાઠી સમાજના રાજવીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
તમને જણાવી દઈએ કે, ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી ગોહિલની મંચના પ્રમુખ તરીકે જાહેરાત કરવામાં આવ્યા બાદ તેમના ક્ષત્રિય સમાજના ભાઇ-બહેનોને સંબોધતાં જણાવવામાં આવ્યું હતું કે, આ સંગઠન રાજકારણ માટે કામ કરશે નહીં, આ મંચનો હેતું માત્ર એટલો છે કે, ક્ષત્રિયો એક થાય અને તેમના સંતાનો આગળ વધે તે માટે પ્રયાસ કરાશે. કૃષ્ણકુમારસિંહજીના અવસાનને 60 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે તેમને સન્માન મળે તે માટે ભારતરત્ન આપવામાં આવે તે માટે ઠરાવ કરવામાં આવેલ છે.