ભારત સરકાર ફરી એકવાર China ની કંપનીઓ સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. કોર્પોરેટ અફેર્સ મંત્રાલય ટૂંક સમયમાં લગભગ 400 ચીની કંપનીઓ સામે કાર્યવાહી કરી શકે છે. મંત્રાલય પાસે એવી માહિતી આવી છે કે, આ કંપનીઓ ઓનલાઈન જોબ અને ઓનલાઈન લોન સંબંધિત છેતરપિંડી કરવામાં સામેલ છે. આ ઉપરાંત એવી અં આશંકા છે કે, આ તમામ કંપનીઓએ દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, બેંગલુરુ, ઉત્તર પ્રદેશ અને આંધ્ર પ્રદેશ સહિત 17 રાજ્યોમાં ઘણા લોકોને નાણાકીય છેતરપિંડીનો શિકાર બનાવ્યા છે.
કોર્પોરેટ અફેર્સના મંત્રાલયે કરી હતી તપાસ
સરકારી સૂત્રો અનુસાર, મનીકંટ્રોલે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે, કોર્પોરેટ અફેર્સ મંત્રાલયે મોબાઈલ સ્ક્રીન અને બેટરીનું ઉત્પાદન કરતી લગભગ 40 ચીની કંપનીઓ સામે પણ તપાસ શરૂ કરી છે. સૂત્રોએ દાવો કર્યો છે કે, લગભગ 600 ચીની કંપનીઓ તપાસ હેઠળ આવી હતી. તેમાંથી 300 થી 400 કંપનીઓની કામગીરી શંકાસ્પદ જણાઈ છે. તેમની સામે કાર્યવાહી થશે તે લગભગ નિશ્ચિત છે. તેમાં લોન એપ્સ અને ઓનલાઈન જોબ ઓફર કરતી કંપનીઓનો પણ સમાવેશ થાય છે.
ડિજિટલ લોનના નામે ખુલી રહી છે નકલી કંપનીઓ
જો કે, રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ડિજિટલ લોન આપનારી કંપનીઓ છેલ્લા કેટલાક વર્ષોમાં ઝડપથી વિકાસ પામી છે. તે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની માર્ગદર્શિકાનું પાલન કરી રહ્યાં નથી. જેના કારણે અનેક ગ્રાહકો છેતરપિંડીનો ભોગ બન્યા છે. આ ઉપરાંત, આવી લોન આપતી કંપનીઓ પણ લોકોનું માનસિક શોષણ કરવા લાગે છે. તેમના વ્યાજ દરો પણ ખૂબ જ ઊંચા હોય છે. તેમને રોકવા માટે સરકાર દ્વારા આ તપાસ શરૂ કરવામાં આવી હતી. તેવી જ રીતે લોકોને નકલી નોકરીની ઓફર આપીને પણ ફસાવવામાં આવી રહ્યા છે.
3 મહિનામાં કાર્યવાહી શક્ય
જો કે, રિપોર્ટ અનુસાર આમાંની ઘણી કંપનીઓના ડાયરેક્ટર ભારતીય છે. પરંતુ, તેમના બેંક ખાતા ચાઈનીઝ છે. ઉપરાંત, આમાં કોઈ વ્યવહાર રેકોર્ડ પણ ઉપલબ્ધ નથી. ઘણા કિસ્સામાં કંપનીઓના સરનામા પણ ખોટા નીકળ્યા છે. તો કેટલાક કિસ્સાઓમાં, રોકાણ અન્ય કોઈ નામે કરવામાં આવ્યું હતું જ્યારે કંપની અન્ય કોઈ વ્યવસાય કરતી હોવાનું જાણવા મળ્યું હતું. તેનાથી નાણાકીય છેતરપિંડી કરવાનું ખૂબ જ સરળ બની જાય છે. કંપની એક્ટ મુજબ, આ કંપનીઓ સામે ત્રણ મહિનામાં કાર્યવાહી થઈ શકે છે.