Winter ના આગમન ની વચ્ચે ફરી એક વખત હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. વાસ્તવમાં હવામાન વિભાગની ઠંડી ને લઈને આગાહી કરતા જણાવવામાં આવ્યું છે કે, આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેવાનું છે. એવામાં બે દિવસ વાતાવરણ યથાવત રહેવા ના લીધે બે દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો આવતા ઠંડીનો અનુભવ થશે. હવામાનની આગાહી મુજબ, પવનની દિશા ઉત્તર-પૂર્વ રહેલી છે જે દિશા બદલાતા ઠંડીનો અનુભવ થવા લાગશે.
તમને જણાવી દઈએ કે, હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસ દ્વારા ઠંડી ને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. હવામાનની આગાહી મુજબ, બે દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો આવતા ઠંડીનો અનુભવ થવાનો છે. આ સાથે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, અમદાવાદમાં મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી નોંધાયું હતું જે સામાન્ય કરતા 1.3 ડિગ્રી વધુ રહ્યું હતું. આ સિવાય લઘુત્તમ 19.5 ડિગ્રી નોંધાયું હતું જે 1.8 ડિગ્રી વધુ રહ્યું હતું. ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન 14.8 ગાંધીનગરમાં રહ્યું હતું. જ્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ તાપમાન ઓછું રહ્યું છે. આ સાથે કચ્છ-ઉત્તર ગુજરાતમાં સામાન્ય કરતા વધુ લઘુત્તમ તાપમાન રહ્યું છે.
તેની સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 15 નવેમ્બર બાદ ગરમીથી રાહત મળવાની છે. અંબાલાલ પટેલ દ્વારા શિયાળા અંગે કરેલી આગાહી મુજબ, 17 થી 20 નવેમ્બર પશ્ચિમી વિક્ષેપ રહેવાનો છે. ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમ વર્ષાના લીધે ગુજરાતમાં ગરમીમાં ઘટાડો થશે. ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થવાનો છે અને ન્યૂનત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ થવાનું છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અરબ સાગરમાં 19 થી 22 નવેમ્બર લો પ્રેશર સર્જાવાનું છે. લો પ્રેશર સોમાલીયા કે ઓમાન તરફ જશે તો વરસાદ આવશે નહીં, પરંતુ જો ગુજરાત તરફ આવશે તો વરસાદ આવવાની શક્યતા રહેલી છે. અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના લીધે ચક્રવાત સર્જાય તેવી શક્યતા રહેલી છે.