દેશમાં હાલ ચોમાસાએ વિદાય લઈ લીધેલી છે. પરંતુ તેને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, દેશના કેટલાક રાજ્યોમાં આજે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસવાની શક્યતા રહેલી છે.
હવામાન વિભાગ મુજબ, મધ્ય મહારાષ્ટ્રમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. દક્ષિણ ભારતના તમિલનાડુ, કેરલ અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ, 13 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર વચ્ચે દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં ભારે થી અતિભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે.
IMD અને ખાનગી એજન્સી સ્કાયમેટ બંને દ્વારા આગાહી કરતા જણાવવામાં આવ્યું છે કે, 21-22 ઓક્ટોબર થી દિવસના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવા લાગશે. સામાન્ય રીતે ઉત્તર ભારતમાં નવેમ્બર ના પ્રથમ અઠવાડિયાથી ઠંડીની શરૂઆત થતી હોય છે પરંતુ ઓક્ટોબરના બીજા અઠવાડિયા બાદ તાપમાનમાં ઘટાડો થવાની શરૂઆત થશે.
IMD ના મહાનિર્દેશક ડૉ. મૃત્યુંજય મહાપાત્રા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ભારતના દક્ષિણ ભાગમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં બનેલા નીચા દબાણ ના વિસ્તારથી ઉત્તર ભારતના રાજ્યો ને તેની અસર થશે નહીં. તેમ છતાં નીચા દબાણ ની અસર ના લીધે માત્ર દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણના કેટલાક રાજ્યોમાં જ વરસાદી માહોલ બનશે.
તેની વધુમાં જણાવ્યું છે કે, ઉત્તર મધ્ય પ્રદેશ અને છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં તેની અસર જોવા મળવાની શક્યતા છે પરંતુ ઉત્તર પ્રદેશ અને બિહારની સાથે ઉત્તર ભારતના ઘણા રાજ્યો પર તેની વધુ અસર જોવા મળવાની નથી. IMD મુજબ, અરબી સમુદ્રમાં એક સરક્યુલેશન બનેલ છે જે રવિવાર સવાર સુધીમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયેલ છે. પરંતુ તેનાથી ભારત માટે કોઈ ખતરો રહેલ નથી કારણ કે તેની દિશા ઓમાન તરફ રહેલી છે.
તેની સાથે વધુમાં તેમણે જણાવ્યું કે, બીજું દબાણ પણ દક્ષિણ બંગાળની ખાડી તરફ બનેલ છે જેનો અભ્યાસ કરાઈ રહ્યો છે. આગામી કેટલાક કલાકો માં તે ચક્રવાતમાં ફેરવાય તેવી શક્યતા રહેલી છે તેની સૌથી વધુ અસર આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં જોવા મળી શકે છે. જો બંગાળની ખાડીમાં હલચલ વધુ તીવ્ર બનશે તો તાપમાનમાં ઝડપથી ઘટાડો થશે નહીં, પરંતુ ચોમાસુ પરત જવાના થોડા દિવસો વધી જશે.