મુંબઈમાં શનિવારના એટલે 12 તારીખના રોજ અજિત પવાર જૂથના NCP નેતા Baba Siddique ની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. બાબા સિદ્દીકીને ખૂબ જ નજીકથી જાહેરમાં ગોળી મારવામાં આવી હતી. ત્યાર બાદ તાત્કાલિક NCP નેતાને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા. તે દરમિયાન હોસ્પિટલમાં હાજર તબીબ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. એવામાં તેમની હત્યાને લઈને અનેક સવાલો સામે આવ્યા છે. તેમાં પણ તેમની સુરક્ષાને લઈને જાણકારી સામે આવી છે.
ઉલ્લેખનીય છે કે, બાબા સિદ્દીકી ને 15 દિવસ પહેલા એક ધમકી પ્રાપ્ત થઈ હતી. જેમાં તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ અપાઈ હતી. તેમના દ્વારા પોતાના જીવના ખતરાની ચિંતા વ્યક્ત કરતા નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સાથે વાત પણ કરવામાં આવી હતી. ત્યાર બાદ કેન્દ્ર સરકાર દ્વારા તેમને Y કેટેગરીની સુરક્ષા પણ આપવામાં આવી હતી. બાબા સિદ્દીકી ની હત્યા બાદ વિપક્ષ દ્વારા મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે, શનિવાર ના વિજયાદશમીનો તહેવાર રહેલો હતો. બાંદ્રામાં બાબા સિદ્દીકી ની ઓફિસ નજીક લોકો દ્વારા ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા. એવામાં રાત્રીના લગભગ 9.15 થી 9.20 વાગ્યાના સમયે બાબા સિદ્દીકી તેમના પુત્રની સાથે ઓફિસમાંથી બહાર આવ્યા હતા. આ ફટાકડા ના અવાજ વચ્ચે મોઢા પર રૂમાલ બાંધેલા ત્રણ વ્યક્તિ અચાનક કારમાંથી નીચે ઉતરી ને આવ્યા એક બાદ એક છ રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું. જેમાંથી ત્રણ ગોળી બાબા સિદ્દીકી ને વાગી ગઈ હતી. ગોળી વાગતા જ બાબા સિદ્દીકી જમીન પર ઢળી પડ્યા હતા. ત્યાર બાદ તેમને લીલાવતી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. તે દરમિયાન હોસ્પિટલમાં હાજર તબીબ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
પોલીસ દ્વારા હત્યા ને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તેની સાથે એવું સામે આવી રહ્યું છે કે, તેમની હત્યા પાછળ સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી (SRA) મુદ્દો પણ રહેલો હોઈ શકે છે. કેમ કે, બાબા અને તેમના ધારાસભ્ય પુત્ર જીશાન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો. 2018 માં ઈડી દ્વારા બાબા સિદ્દીકી ની 462 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. નોંધનીય છે કે, આ વર્ષે ફેબ્રુઆરીમાં બાબા સિદ્દીકી કોંગ્રેસ છોડીને NCP (અજિત પવાર જૂથ) માં જોડાઈ ગયા હતા.