Madhya Pradesh ના સાગર જિલ્લાના શાહપુરમાં એક ભયાનક અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. ભાગવત કથા દરમિયાન શિવલિંગ બનાવતા લોકો પર દીવાલ ઘસી પડતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં નવ બાળકોના મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે અનેક ઈજા પહોંચી છે.
જાણકારી મુજબ શાહપુરના હરદૌલ મંદિરમાં શ્રાવણ મહિનામાં શિવલિંગનું નિર્માણ અને ભાગવત કથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમાં ભાગ લેવા માટે અનેક લોકો આવી રહ્યા છે. રવિવાર રજાનો દિવસ હોવાના લીધે મોટી સંખ્યામાં બાળકો પણ શિવલિંગ બનાવવા માટે પહોંચ્યા હતા.
એવામાં બાળકો એક જગ્યા પર બેસીને શિવલિંગ બનાવી રહ્યા હતા. તે સમયે મંદિર પરિસર ની નજીક આવેલા એક મકાનની પચાસ વર્ષ જૂની માટીની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. આ દીવાલ બાળકો પર પડતા નવ બાળકોના ઘટનાસ્થળ પર મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે બે બાળકોને ગંભીર ઇજા પહોંચી હતી. આ બાળકોને જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
તેની સાથે અકસ્માત સર્જાતા સમગ્ર સ્થળ પર શોકમય વાતાવરણ બની ગયું હતું. લોકો દ્વારા તાત્કાલિક દિવાલ પરથી કાટમાળ હટાવવાનું શરૂ કર્યું અને ત્યાર બાદ તેની નીચે દટાયેલા બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા. સિટી કાઉન્સિલ, પોલીસ અને શહેરીજનો દ્વારા રાહત કાર્યમાં લાગેલા છે. ઘટનાની જાણકારી મળતા ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગોપાલ ભાર્ગવ ઘટનાસ્થળ પર પહોંચી આવ્યા હતા.
તેની સાથે સીએમ મોહન યાદવ દ્વારા આ દુર્ઘટના પર શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. તેમણે ટ્વીટર (X) પર જણાવ્યું છે કે, સાગર જિલ્લાના શાહપુરમાં અતિવૃષ્ટિ ના લીધે એક જર્જરિત મકાનની દિવાલ ધરાશાયી થવાના લીધે નવ માસૂમ બાળકોના મોતના સમાચાર સાંભળીને ઘણું દુઃખ થયું છે. ઈજાગ્રસ્ત બાળકોને યોગ્ય સારવાર આપવા માટે જિલ્લા વહીવટી તંત્રને નિર્દેશ અપાયો છે. મૃત બાળકોના આત્માને પરમાત્મા શાંતિ આપે તેવી પ્રાર્થના. હું અકસ્માતમાં ઈજાગ્રસ્ત અન્ય બાળકોના ઝડપથી સ્વસ્થ થવાની ઈચ્છા વ્યક્ત કરું છું. માસૂમ બાળકોને ગુમાવનારા પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. મૃતક બાળકો ના પરિવારજનોને સરકાર દ્વારા ચાર લાખ રૂપિયાની સહાય રકમ અપાશે.