નવી દિલ્હીઃ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગના બીજા સત્રમાં પણ ઓલા ઈલેક્ટ્રિકના સ્ટોકમાં 20 ટકાના ઉછાળા બાદ અપર સર્કિટ પર પહોંચ્યો છે. બે દિવસમાં સ્ટોક 44 ટકા વધ્યો છે. સોમવાર, ઓગસ્ટ 12, 2024 ના ટ્રેડિંગ સેશનમાં બજારમાં ઘટાડો થયો હોવા છતાં, ઓલા ઈલેક્ટ્રીકના શેરમાં મજબૂત વધારો જોવા મળ્યો હતો અને દિવસના વેપાર દરમિયાન ભારે ખરીદી પછી, શેર અપર સર્કિટ પર પહોંચ્યો હતો.
2 દિવસમાં 44 ટકા વધ્યો ઓલા ઈલેક્ટ્રિક
ઓલા ઈલેક્ટ્રીકે આઈપીઓમાં રૂ. 76ના શેરના દરે નાણાં એકત્ર કર્યા હતા. ગયા અઠવાડિયે શેરબજારમાં ઘટાડાને કારણે સેન્ટિમેન્ટ બગડ્યું હતું જેના કારણે IPOને જોરદાર પ્રતિસાદ મળ્યો ન હતો. શુક્રવાર, 9 ઓગસ્ટ, 2024 ના રોજ, Ola ઈલેક્ટ્રીકનો IPO BSE અને NSE બંને સ્ટોક એક્સચેન્જો પર લિસ્ટ થયો હતો. લિસ્ટિંગ માત્ર રૂ. 76ની ઇશ્યૂ કિંમતે કરવામાં આવ્યું હતું. પરંતુ લિસ્ટિંગ બાદ રોકાણકારો શેર ખરીદવા તૂટી પડ્યા હતા. અને લિસ્ટીંગ પછી શેરમાં 20 ટકાનો ઉછાળો આવ્યો અને રૂ. 91.20ના ભાવે અપર સર્કિટ પર પહોંચ્યો હતો. સ્ટોક એક્સચેન્જમાં ટ્રેડિંગના બીજા દિવસે શેરમાં 20 ટકાના ઉછાળા બાદ તે રૂ. 109.44ના ભાવે અપર સર્કિટ પર પહોંચી ગયો છે. ઓલા ઇલેક્ટ્રિકનું માર્કેટ કેપ 48,272 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. બે ટ્રેડિંગ સેશનમાં શેરમાં 44 ટકાનો ઉછાળો આવ્યો છે.
કેમ વધી રહ્યો છે સ્ટોક?
ખરેખર, ઓલા ઈલેક્ટ્રિક હવે મોટરસાઈકલ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. ઇલેક્ટ્રિક સ્કૂટર લૉન્ચ કર્યા પછી, કંપની આ અઠવાડિયે સ્વતંત્રતા દિવસ, 15 ઑગસ્ટ, 2024ના રોજ ચાર મોટરસાઇકલના મૉડલ લૉન્ચ કરવા જઈ રહી છે. આ દેશની પ્રથમ ઇલેક્ટ્રિક મોટરબાઈક હશે. જેના કારણે સ્ટોકમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
14મી ઓગસ્ટે આવશે ત્રિમાસિક પરિણામ
સ્ટોક એક્સચેન્જમાં ઓલા ઈલેક્ટ્રીકના લિસ્ટિંગ પછી, કંપનીની પ્રથમ બોર્ડ મીટિંગ 14 ઓગસ્ટ, 2024ના રોજ યોજાવા જઈ રહી છે જેમાં કંપની એપ્રિલ – જૂન સુધીના નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કરશે. જો કે, બજાર આતુરતાપૂર્વક કંપનીના પરિણામોની રાહ જોઈ રહ્યું છે.