અલ્લુ અર્જુન ની ફિલ્મ ‘Pushpa 2’ ને લઈને ચાહકોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. સુકુમાર ના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મને પણ ચાહકો દ્વારા સારો પ્રતિસાદ પ્રાપ્ત થઈ રહ્યો છે. પરંતુ તેની રિલીઝ પહેલા જ ફિલ્મના પ્રીમિયર વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. વાસ્તવમાં ગઈકાલે મેગાસ્ટાર અલ્લુ અર્જુન હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ‘Pushpa 2’ ના પ્રીમિયર માટે પહોંચ્યા હતા. આ દરમિયાન અભિનેતા ને જોવા માટે હજારો લોકોની સંખ્યામાં ઉમટી આવ્યા હતા. અલ્લુ અર્જુન ની એક ઝલક મેળવવા માટે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં અનેક લોકોને ઈજા પહોંચી હતી. આ ઘટનામાં 35 વર્ષની મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું અને તેમનું બાળક પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું હોવાનું સામે આવ્યું છે.
પ્રીમિયર શોને જોવા માટે ચાહકો પહોંચ્યા
આ મામલામાં જણાવી દઈએ કે, મીડિયા રિપોર્ટ્સ મુજબ આ ઘટના બુધવાર રાત્રીના ઘટી હતી. હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં રાત્રીના 9.30 વાગ્યાનો શો જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો ઉમટી આવ્યા હતા. તેમ છતાં આ દરમિયાન જ્યારે અલ્લુ અર્જુને ચાહકોને મોટું સરપ્રાઈઝ આપ્યું ત્યારે અભિનેતાની એક ઝલક જોવા માટે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. તમને જણાવી દઈએ કે, અલ્લુ અર્જુન ચાહકોને ચોંકાવવા માટે મ્યુઝિક ડિરેક્ટર દેવી શ્રી પ્રસાદ સાથે આવ્યા હતો. પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ, ‘બે કલાક પહેલા સુધી અલ્લુ અર્જુનના આવવાના કોઈ સમાચાર નહોતા અને તેના લીધે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહોતી. અલ્લુ અર્જુનને જોવા માટે લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા, તેના લીધે ભાગદોડ મચી ગઈ હતી. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, થિયેટરમાં નાસભાગની વચ્ચે એક મહિલાનું ગૂંગળામણના લીધે મૃત્યુ થયું હતું અને તેનું બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે, જેને હાલમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવેલ છે.
તેની સાથે સંધ્યા થિયેટરનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક છોકરો બેભાન અવસ્થામાં જોવા મળ્યો હતો અને તેને પોલીસ અને એક વ્યક્તિ દ્વારા CPR આપવામાં આવી રહ્યો હતો. આ વીડિયો ટ્રેડ એનાલિસ્ટ મનોબાલા દ્વારા પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. લોકો દ્વારા આ વીડિયોને લઈને પોત-પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે.