ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા દુલીપ ટ્રોફી રાઉન્ડની મેચોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલા તેનું આયોજન અનંતપુરમાં થવાનું હતું, પરંતુ હવે તેનું આયોજન બેંગલુરુમાં કરવાનું નક્કી કરવામાં આવેલ છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિન સિવાય ભારતના કેટલાક અન્ય સ્ટાર ખેલાડીઓ પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લે તેવી આશા છે. તેમ છતાં સિનિયર બેટ્સમેન Virat Kohli અને રોહિત શર્માને તેમાંથી રાહત મળી શકે છે. ટૂર્નામેન્ટમાં ભાગ લેવાનો નિર્ણય સંપૂર્ણપણે તેમના પર છોડી દેવાશે.
ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે દુલીપ ટ્રોફીની મેચ
દુલીપ ટ્રોફીના પ્રથમ રાઉન્ડની મેચોના બે સેટના મેચ આંધ્રપ્રદેશના અનંતપુરમાં પાંચ સપ્ટેમ્બરના યોજવાના હતા. પરંતુ હવે લોજિસ્ટિક્સની સમસ્યાઓ ટાળવા માટે તેમાંથી એક એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજાશે. અનંતપુર બેંગલુરુથી 230 કિમી દૂર છે અને હવાઈ માર્ગથી જોડાયેલ પણ નથી. એક સૂત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ નિર્ણય કેટલાક ટોચના ખેલાડીઓની સુવિધા માટે લેવામાં આવેલ છે તેના લીધે તેઓ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરીઝ પહેલા લાલ બોલની ક્રિકેટનો અનુભવ પ્રાપ્ત કરી શકે.
રોહિત શર્મા અને વિરાટ કોહલી
ભારતને બાંગ્લાદેશ સામે 19 સપ્ટેમ્બરથી ચેન્નાઈમાં અને 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં બે ટેસ્ટ રમવાની છે. રોહિત શર્મા અને Virat Kohli રમવા અંગે પોતાનો નિર્ણય લેશે પરંતુ રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, લોકેશ રાહુલ, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, કુલદીપ યાદવ તેમાં રમે તેવી આશા રહેલી છે. જસપ્રીત બુમરાહ અને અશ્વિન બાંગ્લાદેશ સામેની સીરીઝ પહેલા સીધા જ ટીમ સાથે જોડાશે. પસંદગીકારો પણ ઋષભ પંતને દુલીપ ટ્રોફીમાં રમતા જોવા ઈચ્છે છે. જો આમ થશે તો ડિસેમ્બર 2022 માં કાર અકસ્માત બાદ તે તેની પ્રથમ રેડ-બોલ ટૂર્નામેન્ટ રહેવાની છે. ઋષભ પંત IPL 2024 થી ક્રિકેટના મેદાનમાં પરત ફર્યા હતા અને T20 વર્લ્ડ કપ વિજેતા ટીમનો પણ ભાગ રહ્યા હતા. સર્જરી બાદ સ્વસ્થ થઈ રહેલો મોહમ્મદ શમી તેમાં રમશે નહીં.