અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ તેમને દુનિયાભરમાંથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. એવામાં રશિયાના રાષ્ટ્રપતિ Vladimir Putin દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પને તેમની જીત પર અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તેની સાથે જણાવ્યું છે કે, તેઓ યૂક્રેન સંકટના યોગ્ય ઉકેલ માટે ટ્રમ્પ સાથે વાત કરવા માટે તૈયાર થઈ ગયા છે. પુતિન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તેઓ તે વાતથી પ્રભાવિત થયા છે કે અંતે કેવી રીતે ટ્રમ્પે તેમની હત્યાના પ્રયાસો બાદ પોતાને સંભાળ્યા અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને અસરકારક રીતે હરાવ્યા હતા. પુતિન દ્વારા ટ્રમ્પને બહાદુર માણસ ગણાવવામાં આવ્યા છે.
તેમ છતાં રશિયાના સોચીમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન પુતિન દ્વારા તેમ પણ જણાવવામાં આવ્યું હતું કે, યુદ્ધ સમાપ્ત કરવા માટે રશિયા પર કોઈપણ પ્રકારનું દબાણ કામ આવશે નહીં. તેમ છતાં તે સંકટ ના ઉકેલ માટે વાતચીત માટે તૈયાર રહેલ છે. વાતચીત એવી હોવી જોઈએ કે, તે બંને પક્ષોના હિતમાં હોવી જોઈએ. નોંધનીય છે કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન નું આ નિવેદન રાષ્ટ્રપતિ પદ માં ટ્રમ્પની જીતને લઈને ક્રેમલિન ના નિવેદનના લાંબા સમય બાદ આવેલ છે.
નોંધનીય છે કે, ફેબ્રુઆરી 2022માં શરૂ થયેલા યૂક્રેન સાથેના યુદ્ધના લીધે રશિયા અને અમેરિકા વચ્ચેના સંબંધો તંગ રહેલા છે. આ દરમિયાન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ રશિયા દ્વારા સાવચેતી ભર્યું વલણ અપનાવવામાં આવ્યું છે. ક્રેમલિન દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, અમેરિકામાં ટ્રમ્પની જીત બાદ એ જોવાનું ખૂબ જ રસપ્રદ રહેશે કે, 30 મહિનાથી વધુ સમયથી ચાલી રહેલ યૂક્રેન સાથે યુદ્ધ સમાપ્ત થશે કે નહીં. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન યૂક્રેન યુદ્ધને સમાપ્ત કરવા અંગે કેટલાક મહત્વપૂર્ણ નિવેદનો આપવામાં આવ્યા હતા. પરંતુ એ તો સમય જ દેખાડશે કે, આ નિવેદનો પર કોઈ કાર્યવાહી થશે કે નહીં.