દિગ્ગજ તેલુગુ અભિનેતા Rajendra Prasad ની પુત્રી ગાયત્રીનું 5 ઓક્ટોબર શનિવાર સવારના હાર્ટ એટેકથી મૃત્યુ નીપજ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. ગાયત્રી 38 વર્ષની હતી અને મૃત્યુ સમયે તેને હૈદરાબાદની AIG હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઈ હતી. ગાયત્રીના અકાળે મૃત્યુથી તેલુગુ ફિલ્મ ઉદ્યોગ દ્વારા શોક વ્યક્ત કરાયો હતો, જેમાં નાની અને જુનિયર એનટીઆર જેવા હસ્તીઓ સામેલ રહેલા હતા. અભિનેતાએ પોતાના એક્સ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી આ સમાચાર પર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે.
નાનીએ પોસ્ટ શેર કરતા જણાવ્યું છે કે, ‘રાજેન્દ્ર પ્રસાદ ગારુ અને તેમના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના. આ હૃદય દ્રાવક છે. જ્યારે, જુનિયર એનટીઆર એ પણ તેમના એક્સ હેન્ડલ પર પોસ્ટ કર્યું અને લખ્યું કે, ‘રાજેન્દ્ર પ્રસાદ ની પુત્રી ગાયત્રી, જે મને ખૂબ જ પ્રિય હતી, તેના અવસાનથી ખૂબ દુઃખી છું. તેમની આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના. રાજેન્દ્ર પ્રસાદ અને તેમના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદનાઓ.
ગાયત્રી દ્વારા ગઈ કાલે મોડી રાત્રીના એટલે કે 4 ઓક્ટોબરના છાતીમાં દુખાવાની ફરિયાદ કરવામાં આવી હતી અને તેને તાત્કાલિક હૈદરાબાદની કોર્પોરેટ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઈ હતી. તેમ છતાં તાત્કાલિક તબીબી સહાય મળવા આવી હોવા છતાં આજે વહેલી સવારના તેમનું મૃત્યુ નીપજ્યું હતું. અભિનેતા રાજેન્દ્ર પ્રસાદ ફિલ્મના સેટ પર હતા ત્યારે તેમને તેમની પુત્રી ગાયત્રીની હાલત વિશે જાણ થઈ હતી. ગાયત્રીના પરિવારમાં તેના પતિ અને પુત્રી રહેલા છે. ગાયત્રીના અંતિમ સંસ્કાર આજે કરાશે.