ભારતીય મૂળના દક્ષિણ આફ્રિકાના રાજનેતા અને રંગભેદ વિરોધી કાર્યકર્તા Pravin Gordhan નું 75 વર્ષની વયે અવસાન નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. પ્રવીણ ગોર્ધનના પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તેઓ છેલ્લા કેટલાક સમયથી કેન્સર સામે લડત લડી રહ્યા હતા અને શુક્રવારના જોહાનિસબર્ગની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું અવસાન નીપજ્યું હતું. પ્રવીણ ગોર્ધન 1994 થી દક્ષિણ આફ્રિકાના રાજકારણમાં સક્રિય રહેલા હતા. ચાર મહિના પહેલા જ તેમના દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, તેઓ તેમના પરિવાર સાથે વધુ સમય પસાર કરવા માટે સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત લઇ રહ્યા છે.
દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ પ્રવીણ ગોર્ધન ના અવસાન પર શોક વ્યક્ત કર્યો અને તેમને એક ઉત્કૃષ્ટ નેતા અને ભ્રષ્ટાચાર સામેની લડાઈના પ્રતીક ગણાવ્યા હતા. રામાફોસાએ પ્રવીણ ગોર્ધનની પત્ની વનિતા રાજુ, પુત્રીઓ અનીશા અને પ્રિયાશા પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં જણાવ્યું કે, “અમે એક ઉત્કૃષ્ટ નેતા ગુમાવ્યા છે, જેમનું નમ્ર વ્યક્તિત્વ બુદ્ધિમત્તા, ઈમાનદારી અને ઉર્જાની ઊંડાઈ દર્શાવે છે. તેમણે પોતાની સક્રિયતા, એક સાંસદના રૂપમાં પોતાના કર્તવ્ય અને કેબિનેટના સભ્ય તરીકે તેમની ભૂમિકાઓ નિભાવી.”
વર્ષમાં 2010 માં, ગોર્ધનને તત્કાલિન ભારતીય રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે પ્રવાસી ભારતીય એવોર્ડથી સન્માનિત કર્યા હતા, જે વિદેશી ભારતીયો માટે ભારતના સર્વોચ્ચ સન્માન રહેલ છે. પ્રવિણ ગોર્ધન દ્વારા 2009 થી 2014 અને ફરીથી 2015 થી 2017 સુધી દક્ષિણ આફ્રિકાના નાણાં પ્રધાન તરીકે સેવા આપવામાં આવી હતી. તેમણે 2014 થી 2015 સુધી સહકારી શાસન અને પરંપરાગત બાબતોના મંત્રી તરીકે પણ સેવા આપવામાં આવી હતી. તેમની અંતિમ પોસ્ટ એન્ટરપ્રાઇઝ મંત્રી તરીકે રહેલી હતી. 1999 થી એક દાયકા સુધી દક્ષિણ આફ્રિકાની મહેસૂલ સેવાઓના કમિશનર તરીકે ગોર્ધનએ દક્ષિણ આફ્રિકાની ટેક્સ કલેક્શન એજન્સીને વૈશ્વિક સ્તરની સેવા તરીકે વિકસાવીને વૈશ્વિક માન્યતા અપાવવામાં આવી હતી. તેઓ 2000 થી 2006 દરમિયાન વર્લ્ડ કસ્ટમ્સ ઓર્ગેનાઈઝેશનના અધ્યક્ષ પણ રહ્યા હતા.