દક્ષિણ કોરિયા થી મોટા સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ કોરિયા રાષ્ટ્રપતિ દ્વારા વિપક્ષ પર રાજ્ય વિરોધી પ્રવૃત્તિઓનો આરોપ લગાવી ને કટોકટી લશ્કરી કાયદો લાદવા ની જાહેરાત કરવામાં આવી હોવાની જાણકારી સામે આવી છે. જાણકારી મુજબ, દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક-યોલ દ્વારા કટોકટી લશ્કરી કાયદો (Martial Law લાદવાની જાહેરાત કરવામાં આવી છે. તેમના દ્વારા દેશના વિપક્ષ પર સંસદ ને નિયંત્રિત કરવાનો, ઉત્તર કોરિયા પ્રત્યે સહાનુભૂતિ ધરાવતો અને રાજ્ય વિરોધી પ્રવૃત્તિ ઓ દ્વારા સરકારને અસ્થિર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે, રાષ્ટ્રપતિ યૂન દ્વારા એક ટેલિવિઝન કાર્યક્રમ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, દેશના બંધારણ અને કાયદાને બચાવવા માટે આ પગલું જરૂરી રહેલું છે. તેમ છતાં આ નિર્ણયની દેશની સરકાર અને લોકશાહી પર શું અસર પહોંચશે તે સમય જ બતાવશે. યૂન દ્વારા વર્ષ 2022 માં રાષ્ટ્રપતિ પદ સંભાળવા માં આવ્યું હતું. ત્યારથી ભારે વિરોધ ના લીધે તેમને તેમની નીતિઓ લાગુ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
તેની સાથે વધુમાં જણાવી દઈએ કે, રાષ્ટ્રપતિ યુન સુક-યોલની પીપલ્સ પાવર પાર્ટી અને વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટી આગામી વર્ષના બજેટ બિલ પર સમજૂતી ના થવાના લીધે આ જાહેરાત કરાઈ છે. યૂન દ્વારા તેની પત્ની અને કેટલાક ટોચના અધિકારીઓ ને સંડોવતા કથિત કૌભાંડોની તપાસની માગણી ને નકારી કાઢવામાં આવી છે. તેમના વિરોધીઓ તરફથી આકરી ટીકા કરાઈ છે. રિપોર્ટ મુજબ યૂન ની જાહેરાત બાદ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા પોતાના ધારાસભ્યો ની ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી.