પસદંગી સમિતિએ સલિલ અંકોલાના સ્થાને આ સભ્યને કર્યા સામેલ, BCCI એ કરી જાહેરાત

Amit Darji

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા પૂર્વ ભારતીય ક્રિકેટર અજય રાત્રાને પુરૂષોની પસંદગી સમિતિમાં નવા સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યા છે. અજય રાત્રા અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિમાં સલિલ અંકોલાની જગ્યા લેશે અને બાંગ્લાદેશ સામે 19 સપ્ટેમ્બરથી શરૂ થનારી બે મેચની ટેસ્ટ સીરીઝને ધ્યાનમાં રાખતા આ પદ સંભાળશે. ભૂતપૂર્વ વિકેટકીપર બેટ્સમેન અજય રાત્રા પાસે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય અનુભવ રહેલો છે.

ભારત માટે છ ટેસ્ટ રમી ચુક્યા છે અજય રાત્રા

અજય રાત્રા દ્વારા ભારત માટે છ ટેસ્ટ અને 12 વનડે મેચ રમવામાં આવી છે. તેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં હરિયાણાનું પ્રતિનિધિત્વ કરેલ છે અને તેણે 90 થી વધુ ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે અને લગભગ ચાર હજારથી વધુ રન બનાવ્યા છે. તેના સિવાય વિકેટ પાછળ 240 આઉટ પણ કર્યા છે. બીસીસીઆઈ દ્વારા એક નિવેદન જાહેર કરતા જણાવવામાં આવ્યું છે કે, એક પસંદગીકર્તાના રૂપમાં અજય રાતરા આગામી પેઢીના ક્રિકેટરોને ઓળખવા અને તેમનું સમર્થન કરવા માટે પસંદગી સમિતિના વર્તમાન સભ્યોની સાથે કરશે જેઓ વૈશ્વિક મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરશે. અજય રાત્રાની પાસે આસામ, પંજાબ અને ઉત્તર પ્રદેશના મુખ્ય કોચ તરીકે સેવા આપીને બહોળો કોચિંગ અનુભવ રહેલો છે. તે 2023 માં સાઉથ આફ્રિકામાં વનડે સીરીઝ દરમિયાન ભારતીય ટીમના કોચિંગ સ્ટાફનો પણ ભાગ રહ્યા હતા.

પરંપરા અનુસાર, પાંચેય પસંદગીકારો અલગ-અલગ પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરે છે અને અજીત અગરકરની અધ્યક્ષતાવાળી સમિતિમાં અજય રાત્રા ઉત્તર ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરશે. ગયા વર્ષે અજીત અગરકરને મુખ્ય પસંદગીકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા બાદ પસંદગી પેનલમાં પશ્ચિમ ઝોનમાંથી બે પસંદગીકારો હતા. અંકોલા પહેલાથી જ સમિતિનો ભાગ રહેલા હતા. ભારતને 19 સપ્ટેમ્બરથી બાંગ્લાદેશ સામે બે ટેસ્ટ મેચની સીરીઝ રમવાની છે. તેમ છતાં અજય રાત્રા ગુરુવારથી પદ સંભાળશે જ્યારે દુલીપ ટ્રોફી શરૂ થશે.

અજય રાત્રાએ જાહેરાત બાદ તાત્કાલિક સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, “આ ઘણું મોટું સન્માન અને પડકાર છે.” હું ભારતીય ક્રિકેટમાં યોગદાન આપવા માટે ઉત્સુક રહેલ છું.

Share This Article
Leave a comment