ભારતના સ્ટાર બેટ્સમેન Virat Kohli અને ઓપનર બેટ્સમેન યશસ્વી જયસ્વાલને ICC ની તાજેતરની ટેસ્ટ રેન્કિંગમાં ફાયદો થયો છે. તેમ છતાં કેપ્ટન રોહિત શર્મા ને એક સ્થાનનું નુકસાન પહોંચ્યું છે. બેટ્સમેનોની રેન્કિંગમાં કોહલી બે સ્થાન આગળ વધીને આઠમા સ્થાન પર આવી ગયો છે, જ્યારે યશસ્વી જયસ્વાલ પણ ટોપ-10 માં સામેલ થઈ ગયો છે. યશસ્વી જયસ્વાલ એક સ્થાનના ફાયદા સાથે સાતમા સ્થાન પર પહોંચી ગયો છે. રોહિત શર્મા છઠ્ઠા સ્થાન પર આવી ગયો છે.
ઇંગ્લેન્ડના અનુભવી બેટ્સમેન જો રૂટ ટેસ્ટ શ્રીલંકા સામે માન્ચેસ્ટરમાં સારા પ્રદર્શન બાદ બેટિંગ રેન્કિંગમાં ટોચ પર યથાવત રહેલા છે. ઓલ્ડ ટ્રેફર્ડમાં 56 અને 32 રનની ઇનિંગ્સ રમનાર ઇંગ્લેન્ડ નો હેરી બ્રુક ત્રણ સ્થાન આગળ વધીને ચોથા સ્થાન પર આવી ગયો છે. તેના દ્વારા પાકિસ્તાનના બાબર આઝમ, ઓસ્ટ્રેલિયા ના સ્ટીવ સ્મિથ અને રોહિતને પાછળ છોડી દેવામાં આવ્યા છે. બાબર આઝમ ને છ સ્થાનનું નુકસાન થયું છે અને તે સંયુક્ત ત્રીજા સ્થાનથી નવમા સ્થાન પર આવી ગયો છે. રાવલપિંડીમાં બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં તે નિષ્ફળ રહ્યો હતો. પાકિસ્તાન નો મોહમ્મદ રિઝવાન પ્રથમ ટેસ્ટમાં તેની સદીના લીધે સાત સ્થાન આગળ વધીને સંયુક્ત 10 મા સ્થાન પર આવી ગયો છે, જે તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ રહેલ છે. બાંગ્લાદેશના મુશફિકુર રહીમ ને પણ સાત સ્થાનનો ફાયદો થયો છે અને તે કારકિર્દીની સર્વશ્રેષ્ઠ 17 મી રેન્કિંગમાં પહોંચી ગયો છે.
ભારતના અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન બોલરોની રેન્કિંગમાં ટોપ પર રહેલો છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને ડાબોડી સ્પિનર રવિન્દ્ર જાડેજા અનુક્રમે ત્રીજા અને સાતમા સ્થાન પર યથાવત રહેલો છે. ઈંગ્લેન્ડ નો ફાસ્ટ બોલર ક્રિસ વોક્સ ચાર સ્થાન ના ફાયદા સાથે 16 માં સ્થાને અને શ્રીલંકાની ફાસ્ટ બોલર અસિથા ફર્નાન્ડો 10 સ્થાનના ફાયદા સાથે 17 માં સ્થાને પહોંચી ગયો છે. પાકિસ્તાન ના ફાસ્ટ બોલર નસીમ શાહ ચાર સ્થાનના ફાયદા સાથે 33 મા સ્થાને અને ઈંગ્લેન્ડના ગુસ એટકિન્સન ચાર સ્થાનના ફાયદા સાથે 42 મા સ્થાને પહોંચી ગયો છે અને તેણે પોતાની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ પ્રાપ્ત કરી છે. ઓલરાઉન્ડરોની યાદીમાં રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિન ટોચના બે સ્થાન પર છે જ્યારે અક્ષર પટેલ છઠ્ઠા સ્થાન પર છે.