નવી દિલ્હીઃ મોદી સરકારે ગુરૂવારે લોકસભામાં વકફ સંશોધન બિલ રજૂ કર્યું હતું. ત્યારે વિપક્ષે સર્વાનુમતે આ બિલનો વિરોધ કર્યો અને હોબાળો મચાવ્યો હતો. ગૃહની કાર્યવાહી દરમિયાન સપા પ્રમુખ અખિલેશ યાદવ અને Amit Shah વચ્ચે જોરદાર ચર્ચા પણ થઈ હતી.
જો કે, અખિલેશ યાદવ જ્યારે બિલના વિરોધમાં બોલી રહ્યા હતા ત્યારે અમિત શાહ ઉભા થયા અને તેમને અટકાવ્યા અને કહ્યું કે, તમે આવી રીતે ગોળ ગોળ વાત ન કરી શકો.
ત્યારે બિલના વિરોધમાં અખિલેશ યાદવે કહ્યું કે, “આ સુનિયોજિત રાજનીતિના ભાગરૂપે થઈ રહ્યું છે. જો તમે જિલ્લા મેજિસ્ટ્રેટને તમામ સત્તાઓ આપી દેશો, તો તમે જાણો છો કે જિલ્લા મેજિસ્ટ્રેટે એક જગ્યાએ શું કર્યું કે જે આવનારી પેઢીઓને પણ તેના પરિણામો ભોગવવા પડ્યા. માટે ભાજપ પોતાના હતાશ, નિરાશ અને થોડા કટ્ટર સમર્થકોને ખુશ કરવા માટે આ બિલ લાવવાનો પ્રયાસ કરી રહી છે.
અખિલેશ યાદવે લોકસભા અધ્યક્ષને કહ્યું કે, “સાહેબ, મેં સાંભળ્યું છે કે તમારા કેટલાક અધિકારો પણ છીનવાઈ રહ્યા છે, તેથી અમારે બધાએ તમારા માટે પણ લડવું પડશે.” અખિલેશ યાદવનું ભાષણ સાંભળ્યા બાદ અમિત શાહે તેમને અટકાવ્યા અને કહ્યું કે, સ્પીકર સાહેબ, તેઓ(અખિલેશ યાદવ) ખુરશીનું અપમાન કરી રહ્યા છે.
તમે સ્પીકરના અધિકારોના રક્ષક નથી- અમિત શાહ
ગૃહના હોબાળા વચ્ચે અમિત શાહે અખિલેશ યાદવને કહ્યું કે, “સ્પીકરનો અધિકાર માત્ર વિપક્ષનો જ નથી, પરંતુ આપણા બધાનો છે. તમે (અખિલેશ) આવા અસ્પષ્ટ નિવેદનો ન આપી શકો. તમે સ્પીકરના અધિકારોના રક્ષક નથી.