શું તમારું બાળક પણ હંમેશા ભણવા માટે કરે છે આનાકાની? તો અપનાવો આ ઉપાય

Amit Darji

ઘણા માતા-પિતા વારંવાર એવી ફરિયાદ કરે છે કે, તેમના બાળકને અભ્યાસ કરવાનું મન થતું નથી. બાળક કાં તો આખો દિવસ રમે છે અથવા મોબાઈલ ગેમ્સમાં વ્યસ્ત રહે છે. બાળકોને અભ્યાસમાં રસ ન પડવા પાછળ અન્ય ઘણા કારણો છે. જો તમારા બાળકને અભ્યાસમાં રસ ન હોય અને હંમેશા તે ભણવા માટે આનાકાની કરે તો તમે તેને શીખવવા માટે કેટલીક મનોરંજક પદ્ધતિઓનો ઉપયોગ કરી શકો છો. આનાથી તે વાંચનમાં ધ્યાન કેન્દ્રિત કરશે. તો અમે તમને આવી જ કેટલીક રીતો જણાવી રહ્યા છીએ.

બાળકો માટે રૂટીંગ સેટ કરો

તમારું બાળક જ્યારથી શાળાએ જવાનું શરૂ કરે ત્યારથી માતા-પિતાએ એક દિનચર્યા બનાવવી જોઈએ. જેમાં તેમના સૂવાનો સમય, અભ્યાસનો સમય, રમતગમતનો સમય બધુ જ નિશ્ચિત હોવું જોઈએ. આ બાળકો માટે આદત બની જશે અને ધીમે ધીમે તેઓ તે રૂટીનમાં આવી જશે.

માતા-પિતા બાળકોને સમય આપે

વધુ સારું તો એ છે કે માતાપિતા બાળકોને શીખવવા માટે પોતાનો સમય આપે. આજકાલ, માતાપિતા તેમના જીવનમાં વ્યસ્ત છે, તેથી તેઓ તેમના બાળકોને સમય આપી શકતા નથી. શાળા અને ટ્યુશનમાં ભણવા ઉપરાંત બાળકોને તેમના માતા-પિતાએ જાતે જ ભણાવવું જોઈએ. તેના માટે માતા-પિતાએ બાળકો માટે સમય કાઢવો પડશે.

બાળકો પર ભણવા માટે દબાણ ન કરો

જો કે ઘણીવાર એવું જોવા મળે છે કે, માતા-પિતા હંમેશા બાળક પર ભણવાનું દબાણ કરે છે. બાળકો પર જેટલું દબાણ કરવામાં આવે છે તેટલું જ તેઓ ભણવાથી દૂર ભાગે છે. તેથી, બાળકો પર ભણવા માટે દબાણ ન કરવું જોઈએ.

ઉદાહરણ આપીને સમજાવો

જો તમે તમારા બાળકને જાતે ભણાવતા હોવ તો ભણાવતી વખતે તેને લગતા ઉદાહરણો આપો તો બાળક તેને સારી રીતે સમજી શકશે અને તે બધું યાદ રહી જશે. ઉદાહરણો આપીને સમજાવવું ખૂબ જ અસરકારક બની શકે છે.

ગેમ્સ અને નવી ટેકનોલોજીની મદદ લો

તમે તમારા બાળકોને શીખવવા માટે ગેમ્સની મદદ લઈ શકો છો. બાળકો રમત-રમતમાં વિજ્ઞાન અને ગણિતના વિષયોને સારી રીતે સમજી શકે છે. તમે તેમને રમત-રમતમાં ઘણું બધું શીખવાડી અને સમજાવી શકો છો. આ પદ્ધતિ પણ ખૂબ અસરકારક છે.

Share This Article
Leave a comment